
ક્રિકેટની દુનિયામાં 24 વર્ષ સુધી વિશ્વભરના બોલરોને હંફાવનાર સચિન તેંડુલકર આજે 53 વર્ષના થયા છે. 24 એપ્રિલ 1973ના રોજ મુંબઈના શિવાજી પાર્ક રાનડે રોડ સ્થિત નિર્મલ નર્સિંગ હોમમાં જન્મેલા સચિન જ્યારે ક્રીઝ પર બેટિંગ કરવા ઉતરતા હતા, ત્યારે તેમની સામે મોટા-મોટા દિગ્ગજોના પરસેવા છૂટી જતા હતા. આમ તો ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા સચિનના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ લોકો જાણે છે, પરંતુ કેટલાક રસપ્રદ કિસ્સાઓ એવા છે જે ખૂબ ઓછા લોકોએ વાંચ્યા કે સાંભળ્યા હશે. એવામાં માસ્ટર બ્લાસ્ટરના એ સપના વિશે આજે તમને જણાવીએ, જેની ઈચ્છા રાખવાને કારણે તેઓ 'ક્રિકેટના ભગવાન' બન્યા.

જ્યારે સચિન પોતાના શાળાના દિવસોમાં ક્રિકેટર બનવાના પ્રયત્નો કરી રહ્યા હતા, ત્યારે તેઓ ચેન્નાઈ સ્થિત એમઆરએફ પેસ ફાઉન્ડેશનમાં ફાસ્ટ બોલર બનવાની ટ્રેનિંગ માટે પહોંચ્યા હતા. તે સમયે તેમની ઉંમર 13 વર્ષની હતી.

ફાસ્ટ બોલિંગની તાલીમ આપતા લિલીએ 5 ફૂટ 5 ઇંચના સામાન્ય કદના સચિનને તરત જ રિજેક્ટ કરી દીધા અને તેમને એવી સલાહ આપી કે તેઓ ફાસ્ટ બોલર બનવાને બદલે પોતાની બેટિંગ પર ફોકસ કરે.

લિલીને સચિનની બેટિંગમાં એ વાત દેખાઈ જે કદાચ ખુદ સચિનને પણ દેખાઈ રહી નહોતી. સચિને લિલીની વાત માની અને પોતાનું પૂરૂ ધ્યાન બેટ પર લગાવી દીધું. પછી જે થયું તે સૌ કોઈ જાણે છે. સચિન વિશ્વના સૌથી મહાન બેટ્સમેનોમાંના એક બન્યા. 100 સદી, 34 હજારથી વધુ રન અને 24 વર્ષની લાંબી કરિયર.

એક સમયે આ ઘટનાને યાદ કરતા માસ્ટર બ્લાસ્ટરે જણાવ્યું હતું કે, તેઓ ફાસ્ટ બોલર બનવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા અને ટ્રાયલ માટે એમઆરએફ ફાઉન્ડેશન પહોંચ્યા હતા, પરંતુ તેમના ભાઈએ તેમને સલાહ આપી હતી કે તેઓ પોતાની સાથે બેટિંગ પેડ પણ લઈ જાય અને અંતે તેમનો નિર્ણય સાચો સાબિત થયો. એવામાં લિલીની એક સલાહ સચિનના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.

જોકે સચિને બોલિંગ પૂરી રીતે છોડી નહોતી. તેમણે પાર્ટ ટાઈમ સ્પિનર તરીકે ટીમને ઘણી મહત્વની વિકેટો અપાવી હતી. ટેસ્ટમાં 46, વનડેમાં 154 અને ટી20 ઇન્ટરનેશનલમાં 1 વિકેટ તેમના નામે છે. એવામાં સચિનની આ કહાની પરથી એ તો સ્પષ્ટ થઈ ગયું છે કે જીવનમાં ઉતાર-ચઢાવ તો આવે જ છે, પરંતુ જરૂરી છે પોતાની જાત પર વિશ્વાસ રાખવો અને મહેનત કરવી, જે એક દિવસ મંજિલ સુધી જરૂર પહોંચાડે છે.