
ઉનાળાની ઋતુ અને ફળોના રાજા 'કેરી' નો અનોખો સંબંધ છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતો દેશ છે. ભારતમાં દર વર્ષે સરેરાશ 20 મિલિયન ટન (આશરે 2 કરોડ ટન) કેરી પાકે છે. આમ છતાં, જ્યારે વૈશ્વિક સ્તરે કેરીની નિકાસ (Export) કરવાની વાત આવે છે, ત્યારે ભારત ઘણું પાછળ રહી જાય છે અને વૈશ્વિક યાદીમાં ઘણીવાર પાંચમા કે છઠ્ઠા ક્રમે જોવા મળે છે. બીજી તરફ, ભારત કરતાં આશરે આઠ ગણું ઓછું એટલે કે માત્ર 2.5 મિલિયન મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન કરતું મેક્સિકો નિકાસના મામલામાં દુનિયામાં અવ્વલ નંબર પર છે. તાજેતરમાં જ જાપાન દ્વારા નબળી ગુણવત્તાના કારણે ભારતીય કેરીની ખેપ પરત મોકલાતા આ વિષય ફરી ચર્ચામાં આવ્યો છે.

મેક્સિકોની આ સફળતા પાછળ માત્ર ખેતી નહીં, પણ તેની મજબૂત સપ્લાય ચેઈન અને ભૌગોલિક સ્થિતિ જવાબદાર છે:

મેક્સિકો અમેરિકા અને કેનેડાની ખૂબ નજીક હોવાથી ઓછા સમયમાં અને ઓછા ખર્ચે તાજી કેરી મોટા બજારો સુધી પહોંચાડી શકે છે.

મેક્સિકો પાસે કેરીના કદ, રંગ, ગ્રેડિંગ અને પેકિંગની શ્રેષ્ઠ સિસ્ટમ છે. તે આંતરરાષ્ટ્રીય બજારોના કડક ફાઈટો-સેનિટરી (ક્વોરેન્ટાઈન) નિયમોને સરળતાથી પૂરા કરે છે.

મેક્સિકોમાં વર્ષના 10 મહિના કેરી ઉપલબ્ધ રહે છે, જે તેને લાંબા સમય સુધી નિકાસ બજારમાં ટકાવી રાખે છે. વર્ષ 2024માં મેક્સિકોએ અમેરિકા અને કેનેડા સહિત ૧15 દેશોમાં કેરીની નિકાસ કરી છે.

ભારતમાં કેરી માત્ર ફળ નથી પણ સંસ્કૃતિનો હિસ્સો છે. દેશની અંદર જ તેની માંગ એટલી વધારે છે કે નિકાસ માટે મર્યાદિત જથ્થો બચે છે.

ગુણવત્તા અને એકરૂપતાનો અભાવ: ભારતમાં નાની હોલ્ડિંગ્સ અને વિવિધ જાતોને કારણે કેરીના કદ, રંગ અને પાકવાની પ્રક્રિયામાં એકરૂપતા (Standardization) લાવવી મુશ્કેલ બને છે, જે આંતરરાષ્ટ્રીય રિટેલર્સને પસંદ નથી.

ભારતમાં કેરી તોડ્યા પછી પ્રી-કૂલિંગ અને કોલ્ડ-ચેનની નબળી વ્યવસ્થાના કારણે કેરી ઝડપથી (3-4 દિવસમાં) બગડવા લાગે છે.

એર કાર્ગો દ્વારા મોકલવું મોંઘું પડે છે અને દરિયાઈ માર્ગે મોકલવા માટે ભારત પાસે પૂરતી મજબૂત કોલ્ડ-ચેન નથી.

ભારતમાં કેરીની સિઝન માત્ર 3 થી ૪4 મહિનાની જ હોય છે.

જો ભારત વૈશ્વિક બજારમાં કિંગ બનવા માંગતું હોય, તો ઉત્પાદનની સાથે આધુનિક પેક હાઉસ, કોલ્ડ-ચેન અને ઝડપી સપ્લાય ચેઈન ઉભી કરવી અનિવાર્ય છે.