
કાર ખરીદતી વખતે આપણે તેની ડિઝાઇન અને લુક પર વધુ ધ્યાન આપીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે કારનો રંગ પણ અકસ્માત સાથે સીધો સંબંધ ધરાવે છે? કાળા રંગની કાર દેખાવમાં પ્રીમિયમ લાગે છે, પરંતુ અભ્યાસ મુજબ તે અન્ય રંગની કારની તુલનામાં અકસ્માતનો ભોગ બનવાની શક્યતા વધુ ધરાવે છે.

આ પાછળનું મુખ્ય કારણ 'વિઝિબિલિટી' અથવા દૃશ્યતા છે, કારણ કે કાળો રંગ પ્રકાશને પ્રતિબિંબિત કરવાને બદલે શોષી લે છે. જ્યારે પ્રકાશનું પ્રતિબિંબ ઓછું થાય, ત્યારે અંધારામાં કે ઝાંખા પ્રકાશમાં આવી કાર આસપાસના વાતાવરણમાં સરળતાથી ભળી જાય છે.

રાત્રિના સમયે અથવા ખરાબ હવામાનમાં જ્યારે વિઝિબિલિટી ઓછી હોય છે, ત્યારે અન્ય ડ્રાઈવરો માટે કાળી કારને ઓળખવી મુશ્કેલ બને છે. રસ્તા પર અકસ્માત ટાળવા માટેની એક કે બે સેકન્ડનો પ્રતિસાદ સમય, કારના રંગને કારણે ડ્રાઇવરો ગુમાવી બેસે છે.

સંશોધનોમાં પણ સાબિત થયું છે કે સફેદ કે તેજસ્વી રંગની કારો કાળી કાર કરતા વધુ સરળતાથી દેખાય છે, જે અકસ્માતનું જોખમ ઘટાડે છે. ખાસ કરીને વહેલી સવારે અથવા સાંજના સમયે જ્યારે રોશની ઓછી હોય, ત્યારે તેજસ્વી રંગની કાર અન્ય ડ્રાઇવરોની નજરમાં જલ્દી આવે છે.

કાળી કારની સાથે સાથે ગ્રે અને સિલ્વર રંગની કાર પણ જોખમી ગણાય છે, કારણ કે તે ઘણીવાર રસ્તાના રંગ કે ધુમ્મસ સાથે ભળી જાય છે. આ જ કારણ છે કે ઈમરજન્સી વાહનો અને સ્કૂલ બસોમાં હંમેશા તેજસ્વી અને ધ્યાન ખેંચે તેવા રંગોનો ઉપયોગ કરવામાં આવે છે.

માર્ગ સલામતી માટે હંમેશા સફેદ, પીળો કે નારંગી જેવા તેજસ્વી રંગો સૌથી વધુ સુરક્ષિત માનવામાં આવે છે. તમારી કારનો રંગ ગમે તે હોય, પરંતુ રાત્રિના સમયે કે ખરાબ હવામાનમાં હંમેશા હેડલાઇટનો ઉપયોગ કરવો એ અકસ્માત ટાળવાનો શ્રેષ્ઠ ઉપાય છે.