
ફિલ્મ ધૂરંધરમાં અક્ષય ખન્નાનો ‘રહેમાન ડાકુ’ તરીકેનો બલોચ લુક સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. માત્ર 6 મીટર ફેબ્રિકમાંથી બનેલી કાળી સલવાર અને સફેદ પાઘડી તેમના પાત્રને ખાસ ઓળખ આપે છે. કોસ્ચ્યુમ ડિઝાઇનર સ્મૃતિ ચૌહાણે આ લુક પાછળની રસપ્રદ વિગતો શેર કરી છે.

ફિલ્મ ‘ધૂરંધર’ 5 ડિસેમ્બરે રિલીઝ થયા પછીથી સતત ચર્ચામાં છે. ફિલ્મના ઘણા કલાકારોના લુક ચર્ચાઈ રહ્યા છે, પરંતુ અક્ષય ખન્નાનો લુક સૌથી વધારે વાયરલ થયો છે. ‘રહેમાન ડાકુ’ના પાત્રમાં તેમની મજબૂત હાજરી અને અનોખી વસ્ત્ર રચનાએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને “FA9LA” ગીતમાં દેખાતો તેમનો કાળો બલોચ લુક ફિલ્મની ઓળખ બની ગયો છે.

આ ખાસ લુક તૈયાર કરનાર કોસ્ચ્યુમ ડિઝાઇનર સ્મૃતિ ચૌહાણે હાલમાં એક વીડિયો શેર કર્યો હતો. તેમાં તેમણે સમજાવ્યું કે અક્ષય ખન્નાનો આ લુક કેવી રીતે વિચારવામાં આવ્યો અને અંતે કેવી રીતે ફાઇનલ થયો. સ્મૃતિ અનુસાર, “FA9LA” સિક્વન્સને સંપૂર્ણ રીતે કાળા રંગની થીમમાં રજૂ કરવાનો વિચાર હતો, જેથી ફિલ્મમાં લૂક વધુ આકર્ષક લાગે. આ કારણે અક્ષયને કાળા કપડાંમાં અને અન્ય નર્તકોને સફેદ રંગમાં બતાવવામાં આવ્યા.

અક્ષયની સફેદ પાઘડી પણ ખાસ વિચારસરણીથી પસંદ કરવામાં આવી હતી. સ્મૃતિ કહે છે કે કાળા અને સફેદ રંગનું કોમબીનેશન એક અલગ જ લૂક આપે છે. સફેદ પાઘડીના કારણે અક્ષય ભીડમાંથી અલગ દેખાય છે અને તેમનો ‘રહેમાન ડાકુ’નો પાત્ર વધુ પ્રભાવશાળી બને છે. આ રંગોનું કોન્ટ્રાસ્ટ કેમેરા પર પણ ખૂબ અસરકારક રીતે દેખાય છે.

ડિઝાઇનર માટે આ લુક બનાવતી વખતે બલુચિસ્તાનની સંસ્કૃતિ મુખ્ય પ્રેરણા રહી. સ્મૃતિએ પરંપરાગત કાળી બલુચી પઠાણી પસંદ કરી, જે રહેમાન ડાકુના પાત્રને મજબૂત અને ખતરનાક છબી આપે છે. જો કે, અક્ષય ખન્નાની ઊંચાઈને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ બલુચી સલવારના બદલે હાફ-બલુચી સલવાર પસંદ કરવામાં આવ્યો .

ખાસ વાત એ છે કે અક્ષયની કાળી સલવાર માત્ર 6 મીટર ફેબ્રિકમાંથી બનાવવામાં આવી હતી. સામાન્ય રીતે બલુચી સલવાર માટે 15થી 20 મીટર કપડું વપરાય છે, પરંતુ અહીં સરળતા અને ફિટિંગને મહત્વ આપવામાં આવ્યું. આખું પઠાણી કુર્તા સિલ્ક-વૂલ બ્લેન્ડ ફોર્મલ સુટિંગ મટિરિયલમાંથી બનાવાયું છે, જેમાં સ્લિમ-ફિટ ચાઇનીઝ કોલર, કફ અને ખિસ્સા પર ડબલ-લાઇન લેધર પેચ ઉમેરવામાં આવ્યા છે.

લુકને વધુ સારો બનાવવા માટે અંતે બંધગલા કોટ અને પશ્મીના સ્ટોલ પસંદ કરવામાં આવ્યા. સ્મૃતિ કહે છે કે તેઓ રહેમાનને કંઈક ભારે અને દમદાર પહેરાવા માગતા હતા. આજે અક્ષય ખન્નાનો આ લુક સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ છે અને ‘રહેમાન ધ ડાકુ’ની ઓળખ બની ગયો છે.