
સેલિબ્રિટી શેફ રણવીર બ્રાર તેમની શાનદાર રસોઈ સાથે સાથે અનોખી પસંદગીઓ માટે પણ ચર્ચામાં રહે છે. એક શોમાં તેમણે ખુલાસો કર્યો કે તેઓ રસોડામાં લગભગ ₹1.75 લાખ કિંમતની ખાસ છરી વાપરે છે. આ છરી સામાન્ય નહીં પરંતુ ૧૮મી સદીની સમુરાઇ તલવારના એક ભાગમાંથી બનાવવામાં આવી છે, જે તેને અત્યંત ખાસ બનાવે છે.

સેલિબ્રિટી શેફ રણવીર બ્રાર વર્ષોથી ભારતીય રસોઈને નવી ઓળખ અપાવી રહ્યા છે. લખનૌની ગલીઓથી શરૂ થયેલી તેમની સફર આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. તેઓ અનેક કુકિંગ શો, જજ તરીકેની ભૂમિકા અને સોશિયલ મીડિયા પર શેર થતી રસોઈની વાર્તાઓ માટે જાણીતા છે. એક શોમાં તેમની હાજરી દરમિયાન એક રસપ્રદ વાત સામે આવી, જેમાં તેમણે જણાવ્યું કે તેઓ રસોડામાં લગભગ ₹1.75 લાખ કિંમતની છરી વાપરે છે

આ વાત સાંભળીને ઘણા લોકોને આશ્ચર્ય થયું કે આખરે એવી છરીમાં શું ખાસ છે? જ્યારે રણવીરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખૂબ જ સાદગીથી જવાબ આપ્યો. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિના શોખ અલગ હોય છે. કોઈને મોંઘી ઘડિયાળ ગમે છે, કોઈને કાર, જ્યારે તેઓ એક શેફ છે અને તેમને માત્ર એક સારી છરીની જરૂર છે. તેમના માટે છરી માત્ર સાધન નથી, પરંતુ તેમના કામનો મહત્વનો ભાગ છે.

રણવીર બ્રારે જણાવ્યું કે આ છરી 18મી સદીની સમુરાઇ તલવારના એક ભાગમાંથી બનાવવામાં આવી છે. આ છરી સાથે પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) અને તે સમુરાઇ પરિવારનો સંપૂર્ણ ઇતિહાસ પણ મળે છે. જ્યારે તેઓ આ છરી હાથમાં પકડે છે ત્યારે એવું લાગે છે કે તેઓ ઇતિહાસના એક ટુકડાને અનુભવી રહ્યા છે. આ અનુભવને કારણે આ છરી તેમના માટે ખૂબ જ ખાસ બની ગઈ છે અને ક્યારેક તેઓ તેનો ઉપયોગ શાકભાજી કાપવા માટે પણ કરે છે.

18મી સદીમાં, જેને જાપાનનો એડો સમયગાળો કહેવાય છે, તે સમયે સમુરાઇ તલવારો ખૂબ જ પ્રખ્યાત હતી. મુખ્યત્વે કટાના નામની તલવાર વપરાતી હતી, જે વક્ર, એકધારી અને અત્યંત તીક્ષ્ણ બ્લેડ ધરાવતી હતી. યુદ્ધો ઓછા થતાં, આ તલવારોને વધુ શણગારવામાં આવતી, પરંતુ તેમની મજબૂતી અને તીક્ષ્ણતા જાળવી રાખવામાં આવતી હતી.

આ સમુરાઇ તલવારો ખાસ પ્રકારના તામાહાગેન સ્ટીલથી બનાવવામાં આવતી હતી, જેને વારંવાર વાળી અને ઘડવામાં આવતું હતું. આ પ્રક્રિયા બ્લેડને મજબૂત, ટકાઉ અને લવચીક બનાવતી હતી. આવી ઐતિહાસિક અને દુર્લભ છરી હોવાને કારણે તેની કિંમત ઊંચી છે. શેફ રણવીર બ્રાર માટે આ છરી માત્ર મોંઘી વસ્તુ નથી, પરંતુ તેમની રસોઈયાની યાત્રાનો એક ગૌરવભર્યો ભાગ છે.