
એક્સ મિસ યુનિવર્સ અને અભિનેત્રી લારા દત્તા કોઈ ઓળખની મોહતાજ નથી. તેમણે વર્ષ 2003માં ફિલ્મ અંદાજથી અભિનયની દુનિયામાં પગ મૂક્યો હતો અને ત્યાર બાદ ક્યારેય પાછું વળીને જોયું નથી. લારા દત્તાએ વર્ષ 2000માં મિસ યુનિવર્સનો ખિતાબ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. 16 એપ્રિલ એટલે આજે અભિનેત્રી પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. જાણો કે તે કયો સવાલ હતો, જેનો જવાબ આપીને લારા દત્તા મિસ યુનિવર્સ બની હતી.

મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેનારી મહિલાઓએ અનેક રાઉન્ડ પસાર કરવા પડે છે. સુંદર હોવાની સાથે જ તેમના અનેક ટેલેન્ટની પણ પરખ કરવામાં આવે છે.

લારા દત્તાને ફાઈનલ રાઉન્ડમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે, બહાર મિસ યુનિવર્સ સ્પર્ધાને લઈને વિરોધ થઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે આનાથી મહિલાઓનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તમે વિરોધીઓને કેવી રીતે સમજાવશો કે તેઓ ખોટા છે?

આ સવાલના જવાબમાં લારા દત્તાએ કહ્યું હતું કે, મને લાગે છે કે મિસ યુનિવર્સ જેવી સ્પર્ધાઓ અમને યુવાન છોકરીઓને એક સારું પ્લેટફોર્મ પૂરું પાડે છે. તે આપણને મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રેરિત કરે છે, પછી ભલે તે બિઝનેસ હોય, સશસ્ત્ર દળ હોય, રાજનીતિ હોય કે પછી ફિલ્મો... તેઓ જ્યાં જવા માંગતા હોય ત્યાં આ પ્લેટફોર્મ પર આવ્યા પછી તેમને આગળ વધવામાં મદદ મળી રહે છે.

લારા દત્તાનો આ જવાબ ત્યાં હાજર જજોને ખૂબ જ પ્રભાવશાળી લાગ્યો અને તેના કારણે જ લારા દત્તાને મિસ યુનિવર્સ 2000ના ખિતાબથી નવાજવામાં આવી. આ પછી તેમનું નસીબ ચમકી ગયું અને તેમણે એક પછી એક ઘણી મોટી ફિલ્મો સાઈન કરી.

વર્ષ 2002માં લારા દત્તાએ તમિલ ફિલ્મ સાઈન કરી હતી, પરંતુ આ ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થઈ. તે દરમિયાન લારાને પહેલી હિન્દી ફિલ્મ અંદાજ મળી, જે વર્ષ 2003માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી અને આ માટે લારાને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. ત્યારબાદ લારા દત્તાએ પાર્ટનર, હાઉસફુલ, ભાગમ ભાગ, ડોન 2, સિંઘ ઈઝ કિંગ, બિલ્લુ બાર્બર, નો એન્ટ્રી, મસ્તી, કાલ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું.