
૨૧ જૂનના રોજ ઉજવાનારા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ (International Yoga Day) નિમિત્તે સમગ્ર વિશ્વમાં યોગનો માહોલ જામ્યો છે, ત્યારે કલાનગરી વડોદરામાં આ વર્ષે એક અત્યંત અનોખો અને રોમાંચક કાર્યક્રમ જોવા મળ્યો છે. વડોદરાના પ્રખ્યાત સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે ખાસ ‘એક્વા યોગ’ (Aqua Yoga) એટલે કે પાણીની અંદર યોગાભ્યાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા પ્રયોગે વડોદરાવાસીઓમાં ભારે આકર્ષણ જમાવ્યું છે.

વડોદરાના પ્રખ્યાત સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે ખાસ ‘એક્વા યોગનું આયોજન કરાયું. જેમાં લોકો ઉત્સાહથી ભાગ લઈ યોગ કર્યા. સામાન્ય રીતે આપણે જમીન પર કે મેટ (ચટ્ટાઈ) પર યોગાસનો કરતા લોકોને જોઈએ છીએ, પરંતુ સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના સ્વિમિંગ પૂલમાં દ્રશ્ય કંઈક અલગ જ હતું.

આ ખાસ કાર્યક્રમમાં વડોદરાના આશરે ૫૦ જેટલા ઉત્સાહી યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો. મહિલાઓ અને યુવાનોએ પૂલના શીતળ પાણીની અંદર ઉતરીને વિવિધ આસનોનો અભ્યાસ કર્યો હતો. પાણીની અંદર શરીરનું સંતુલન જાળવીને આસનો કરવા એ એક મોટો પડકાર છે, પરંતુ યોગપ્રેમીઓએ અદ્ભુત ઉત્સાહ સાથે આ પડકારને ઝીલી લીધો હતો.

પાણીમાં કરાતા એકવા યોગનું આ સમગ્ર આયોજન તદ્દન સુરક્ષિત રીતે થાય તે માટે અનુભવી યોગ નિષ્ણાતો (Yoga Experts) ની ખાસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. નિષ્ણાતોના ચોક્કસ માર્ગદર્શન હેઠળ લોકોએ પાણીની અંદર કરી શકાય તેવા આસનો અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.

નિષ્ણાતોના મતે: પાણીમાં શરીરનું વજન હલકું થઈ જતું હોવાથી, સાંધાના દુખાવા કે સ્નાયુઓની જકડન ધરાવતા લોકો પણ એક્વા યોગ ખૂબ સરળતાથી કરી શકે છે. તે માનસિક શાંતિ આપવાની સાથે શરીરની લવચીકતા (Flexibility) અને આંતરિક શક્તિ વધારવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે.

વડોદરા મહાનગરપાલિકા અને રમતગમત વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શહેરમાં અનેક સ્થળોએ ખાસ આયોજનો કરવામાં આવ્યા છે, જે અંતર્ગત આ એક્વા યોગ પૂર્વ-કાર્યક્રમ (Pre-Event) નું આયોજન કરાયું હતું.

૨૧મી જૂનના મુખ્ય કાર્યક્રમ પહેલાં લોકોને યોગ તરફ વાળવા અને કંઈક નવું શીખવવાના આશયથી આ અનોખો કીમિયો અપનાવાયો હતો. કાર્યક્રમના અંતે ભાગ લેનારા તમામ લોકોએ જણાવ્યું હતું કે પાણીમાં યોગ કરવાનો અનુભવ અદ્ભુત અને શરીરને નવી ઊર્જાથી ભરી દેનારો હતો.

વડોદરાના આ સાહસિક અને પ્રેરણાદાયી આયોજનની સોશિયલ મીડિયા પર પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. સામા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પાણીમાં યોગ કરી સ્વાસ્થ્ય જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.