
ગુજરાતમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. સવારે 8 વાગ્યા બાદથી એકપછી એક ધારાસભ્યોને ફોન આવવાનું શરુ થતા બપોરના 12 વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. સંગઠન દ્વારા કેટલાક ધારાસભ્યોને મંત્રી પદ માટે ફોન બાદથી ધારાસભ્યોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપના સંગઠન અને સામાજિક કાર્યના ધુરંધર જીતું વાઘાણીને મંત્રીમાં સ્થાન મળ્યું છે. હર્ષ સંઘવી બાદ જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા.

મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ રહી છે. દાદાના મંત્રી મંડળમાં 25 મંત્રીઓ શપથ લેશે. શપથવિધિ બાદ આજે કેબિનેટ બેઠક યોજાશે અને બેઠકમાં મંત્રીઓને ખાતાની ફાળવણી કરાશે.

જીતુ વાઘાણીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. જીતુભાઈ વાઘાણીની રાજકીય કારકિર્દી ભાજપના યુવા મોર્ચાથી શરૂ થઈ, જ્યાં તેમણે 1990-91 માં ભાવનગર શહેર સહમંત્રી અને 1993-97 માં પ્રમુખ તરીકે સેવા આપી.

રાજકીય જવાબદારીઓ ઉપરાંત જીતુભાઈ વાઘાણી સામાજિક કાર્યોમાં પણ સક્રિય છે. 2007 માં ભાવનગર દક્ષિણ બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી લડ્યા બાદ, 2012 થી તેઓ ભાવનગર (પશ્ચિમ)ના ધારાસભ્ય છે. 2012 માં તેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી વધારે, 53,892 મતોની રેકોર્ડ લીડથી વિજય મેળવ્યો હતો.

જીતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણીનો જન્મ 11 સપ્ટેમ્બર, 1970 ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ગામે થયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોર્ચાના પ્રમુખ (2003-2009) બન્યા અને પ્રદેશ મંત્રી (2009-12) તરીકે સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી. તેમણે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ડાયરેક્ટર તરીકે પણ કામ કર્યું છે.

ગાંધીનગર ખાતે આજે નવા મંત્રીમંડળની શપથવિધિ થઈ રહી છે.