
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ'માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિથી ભક્તિ અને ઉત્સાહનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથેની બેઠક પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન હમીરજી સર્કલથી પગપાળા ચાલીને સોમનાથ મંદિર પહોંચ્યા હતા, જ્યાં જનમેદનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

વડાપ્રધાનનું આગમન અને પર્વનો ઉત્સાહ: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના સાનિધ્યમાં આયોજિત 'સ્વાભિમાન પર્વ'માં પીએમ મોદીની ઉપસ્થિતિથી ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો.

ટ્રસ્ટીઓ સાથે બેઠક: સોમનાથ મંદિર પહોંચતા પૂર્વે વડાપ્રધાને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સાથે મંદિરના વિકાસ અને વ્યવસ્થા અંગે મહત્વની બેઠક યોજી હતી.

પગપાળા જન અભિવાદન: પીએમ મોદી હમીરજી ગોહિલ સર્કલથી સોમનાથ મંદિર સુધી પગપાળા ચાલ્યા હતા, જ્યાં માર્ગની બંને બાજુ ઉભેલી જનમેદનીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

ૐ કાર જાપ અનુષ્ઠાનની પૂર્ણાહુતિ: છેલ્લા 72 કલાકથી મંદિરમાં ચાલી રહેલા પવિત્ર 'ઓમકાર જાપ' અનુષ્ઠાનની પૂર્ણાહુતિ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

ત્રિશુળધારી પીએમ મોદી: મંદિરમાં પૂજા-અર્ચના બાદ પીએમ મોદીએ શક્તિના પ્રતીક સમાન ત્રિશુળ હાથમાં ધારણ કર્યું હતું, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

સંતો દ્વારા સ્વાગત: દિગ્વિજય દ્વાર પાસે ઉપસ્થિત સાધુ-સંતોએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વડાપ્રધાનનું અભિવાદન કરી આશીર્વાદ પાઠવ્યા હતા.

મહાનુભાવોની હાજરી: આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પીએમ મોદીની સાથે રહ્યા હતા.

ભવ્ય ડ્રોન શો: રાત્રિના સમયે યોજાયેલા ડ્રોન શોમાં ટેકનોલોજીના માધ્યમથી આકાશમાં વડાપ્રધાનની 'નમસ્કાર મુદ્રા' ની વિશાળ ઝાંખી કંડારવામાં આવી હતી.

આકાશમાં આતશબાજી: ડ્રોન શો બાદ થયેલી ભવ્ય આતશબાજીથી સોમનાથનું આકાશ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું, જેને જોઈ પીએમ અને ભક્તો મંત્રમુગ્ધ થયા હતા.