

શ્રીનગરમાં મારુતિના સૌથી મોટા ડીલર, જામકશ વ્હીકલ્સ (કાશ્મીર) પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર, ઇરફાન અહેમદ નરવારુએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ દ્વારા સીધી ઘાટીમાં કાર લાવવી એ એક મોટી રાહત છે. આનાથી ગ્રાહકોને એવા નવા વાહનો મળશે જે 300 કિલોમીટર સુધી ચલાવવામાં આવ્યા નથી. આનાથી સમય પણ બચશે.

આ બધા વાહનો હરિયાણામાં મારુતિ સુઝુકીના માનેસર પ્લાન્ટથી લાવવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ઘાટીમાં કારનો પુરવઠો મુખ્યત્વે જમ્મુથી રોડ માર્ગે થતો હતો, જે લગભગ 300 કિલોમીટરનું અંતર હતું અને ઘણીવાર ખરાબ હવામાન અથવા ભૂસ્ખલનને કારણે અડચણો આવતી હતી જેમાં ખાસ કરીને તો શિયાળામાં

આ નવી પહેલ સાથે મારુતિ સુઝુકી ભારતીય રેલ્વે દ્વારા કાશ્મીર ઘાટીમાં કાર સપ્લાય કરવાનું શરૂ કરનારી પ્રથમ ભારતીય ઓટોમોબાઈલ કંપની બની ગઈ છે. આ પ્રથમ કન્સાઈનમેન્ટ માનેસર પ્લાન્ટના નવા ઇન-પ્લાન્ટ રેલ્વે સાઇડિંગથી રવાના થયું હતું, અને તેમાં બ્રેઝા, ડિઝાયર, વેગનઆર અને એસ-પ્રેસો જેવા મોડેલો શામેલ હતા.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે, "રેલવે લાઈન જમ્મુ અને કાશ્મીર માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે." પહેલાં, કાશ્મીરથી સફરજન રેલ દ્વારા મોકલવામાં આવતા હતા, પરંતુ હવે કાર પણ ખીણમાં પહોંચી રહી છે.

મારુતિ સુઝુકી ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ હિસાશી તાકેઉચીએ જણાવ્યું હતું કે રેલ પરિવહન અમારી લોજિસ્ટિક્સ વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે. પીએમ ગતિ શક્તિ યોજના હેઠળ, અમે માનેસર અને ગુજરાત પ્લાન્ટ્સ પર રેલ્વે સાઇડિંગ સ્થાપિત કર્યા છે, જેનાથી દેશભરમાં વાહનોનો પુરવઠો સરળ બન્યો છે.