
પશ્ચિમ બંગાળમાં 23 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થયુ. આ વખતે બંગાળમાં હિંસા વચ્ચે પણ બંપર વોટિંગ થયુ છે. ત્યારે પીએમ મોદીએ મતદાન પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન ઝાલમુરી ખાધી હતી. જે વીડિયો જબરદસ્ત વાયરલ થયો હતો. ત્યાર બાદ હવે પીએમ મોદી કોલકાતામાં હુગલી નદીની સેર કરતા જોવા મળ્યા. પીએમ મોદીએ હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો.

પીએમ મોદીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર હુગલી નદીમાં નૌકાવિહાર કર્યો. જેના વિવિધ ફોટો શેર કર્યા હતા. જેમાં પીએમ મોદી ખુદ ફોટો ક્લિક કરતા પણ જોવા મળ્યા હતા. તેમણે લખ્યું કે આ મહાન નદીનો ફોટોગ્રાફ લેવાનો પ્રયાસ કર્યો. વિદ્યાસાગર સેતુ અને હાવડા બ્રિજની નજીકથી ઝલક પણ જોઈ.

આ અંગે તેમણે એક્સ પર તસવીરો શેર કરી છે. અને કહ્યું કે દરેક બંગાળી માટે ગંગા ખૂબ જ ખાસ સ્થાન ધરાવે છે. કોઈ કહી શકે છે કે ગંગા બંગાળના આત્મામાંથી વહે છે. તેના દિવ્ય પાણી સમગ્ર સભ્યતાની શાશ્વત ભાવનાને વહન કરે છે.

તેમણે આગળ લખ્યું કે આજે સવારે કોલકાતામાં મેં હુગલી નદીના કિનારે થોડો સમય વિતાવ્યો, જે મા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની તક હતી. નાવિકોને મળવાની પણ તક મળી, જેમનો મહેનતુ સ્વભાવ પ્રશંસનીય છે.

પશ્ચિમ બંગાળના વિકાસ અને મહાન બંગાળી લોકોની સમૃદ્ધિ માટે કામ કરવાની અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ત્યારબાદ પીએમ મોદી નાવિકોને પણ મળ્યા હતા. હાજર સૌ કોઇ પીએમ મોદીને જોઇને મોદી મોદીના નારા લગાવવા લાગ્યા હતા.

રાજ્યમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે આ મુલાકાત થઈ રહી છે. ગુરુવારે, પીએમ મોદીએ વિધાનસભા ચૂંટણીના આગામી તબક્કા પહેલા કૃષ્ણનગરમાં એક રેલીને સંબોધિત કરી હતી. તેમણે બેલુર મઠની પણ મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પ્રાર્થના કરી હતી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે પણ ચૂંટણીના પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર 92.88 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે બાકીની 142 બેઠકો પર આ રીતે જ જો મતદાન થાય તો તે બંગાળના ઇતિહાસમાં સૌથી વધુ નોંધાયેલ મતદાન હશે.