
ચક્રવાત દિત્વાહની ભારત પર અસર જોવા મળી. ચક્રવાત દિત્વાહ તમિલનાડુ, પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાની નજીક આવી રહ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આગામી 24 કલાકમાં કુડ્ડલોર, નાગપટ્ટીનમ, મયિલાદુથુરાઈ, વિલ્લુપુરમ, ચેંગલપટ્ટુ, તેમજ પુડુક્કોટાઈ, તંજાવુર, તિરુવરુર, અરિયાલુર, પેરામબલુર, તિરુચિરાપલ્લી, ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને રાણીપેટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

ચક્રવાત દિત્વાહના કારણે ભારતમાં તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. દરિયાકાંઠે વાવાઝોડા અને ભારે વરસાદને કારણે તમિલનાડુના ઘણા દરિયાકાંઠાના વિસ્તારોમાં જનજીવન ખોરવાઈ ગયું છે.

અગાઉ, ચક્રવાત દિત્વાહે શ્રીલંકાના પૂર્વ કિનારા પર વિનાશ વેર્યો હતો, જેમાં 150 થી વધુ લોકો માર્યા ગયા હતા અને વ્યાપક નુકસાન થયું હતું.

ચક્રવાતના કારણે શનિવારે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. રામનાથપુરમ અને નાગપટ્ટિનમ જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થયા હતા.

તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે.કે.એસ.એસ.આર. રામચંદ્રને જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ચક્રવાતના કારણે ઉદભવતી સ્થિતિને લઈને બચાવ અને રાહત કામગીરી માટે ટીમો તૈયાર છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF) અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) સહિત 28 આપત્તિ પ્રતિભાવ ટીમો કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર છે. ભારતીય વાયુસેના (IAF) અને ભારતીય કોસ્ટ ગાર્ડ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.