
પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી અગ્રણી ચહેરાઓમાંના એક, સયાની ઘોષને લાંબા સમયથી મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીની નજીકની સહયોગી માનવામાં આવતી હતી, પરંતુ સત્તાની ગતિશીલતામાં પરિવર્તન બાદ તેમણે પક્ષ બદલી નાખ્યો છે. તે હવે બળવાખોર ટીએમસી સાંસદોની હરોળમાં જોડાઈ ગઈ છે જેમણે લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને ગૃહમાં અલગ બેસવાનો અને એનડીએને ટેકો આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

પશ્ચિમ બંગાળની રાજનીતિમાં સયાની ઘોષ લાંબા સમયથી ચર્ચાનો વિષય રહી છે. તૃણમૂલ કોંગ્રેસમાં તેમને મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીના વિશ્વાસુ નેતા તરીકે જોવામાં આવતા હતા. જોકે તાજેતરના રાજકીય ફેરફારો બાદ તેમનું નામ એવા સાંસદોમાં જોડાઈ રહ્યું છે, જેઓ પાર્ટીની સત્તાવાર લાઇનથી અલગ વલણ અપનાવી રહ્યા છે. આ કારણે બંગાળના રાજકીય વર્તુળોમાં સાયની ઘોષ ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી ગયા છે.

સયાની ઘોષે ખૂબ નાની ઉંમરે મનોરંજન ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો. બંગાળી ફિલ્મો અને ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કરીને તેમણે પોતાની આગવી ઓળખ ઉભી કરી. ફિલ્મ 'શત્રુ' સહિતના પ્રોજેક્ટ્સે તેમને ટોલીવૂડમાં લોકપ્રિય બનાવ્યા. માત્ર ફિલ્મો જ નહીં, પરંતુ રંગમંચ પરના તેમના કામે પણ તેમને બંગાળના સાંસ્કૃતિક અને સામાજિક વર્તુળોમાં વિશેષ સ્થાન અપાવ્યું.

અભિનય ક્ષેત્રમાં એક દાયકાથી વધુ સમય વિતાવ્યા બાદ સાયનીએ રાજકારણમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો. 2021ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં તૃણમૂલ કોંગ્રેસે તેમને પક્ષમાં સામેલ કર્યા. યુવા, લોકપ્રિય અને મહિલા ચહેરા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. આસનસોલ બેઠક પરથી ચૂંટણી લડ્યા છતાં તેઓ જીત મેળવી શક્યા નહોતા, પરંતુ પાર્ટીમાં તેમનું મહત્વ સતત વધતું રહ્યું.

2021 દરમિયાન ત્રિપુરામાં રાજકીય કાર્યક્રમ દરમિયાન થયેલી તેમની ધરપકડને કારણે તેઓ રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. ત્યારબાદ પાર્ટી નેતૃત્વનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો અને 2023માં તેમને તૃણમૂલ યુવા મોરચાની કમાન સોંપવામાં આવી. 2024ની લોકસભા ચૂંટણીમાં જાદવપુર બેઠક પરથી જીત મેળવી તેઓ સંસદ પહોંચ્યા અને પાર્ટીના મુખ્ય યુવા ચહેરા તરીકે ઉભરી આવ્યા.

સયાની ઘોષ પોતાના ભાષણો અને ગાયન દ્વારા ધ્યાન ખેંચી રહી હતી, જેના કારણે તે વિવાદોમાં પણ ફસાઈ ગઈ હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન તે ધાર્મિક ગીતો ગાઈને લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરી રહી હતી. તેમાંથી એક છે કાબા મારા હૃદયમાં છે, અને મદીના મારી આંખોમાં છે. ભાજપના નેતાઓએ સયાની ઘોષ પર આ ગીત પર સવાલ ઉઠાવ્યા હતા અને મમતા બેનર્જી પર પણ નિશાન સાધ્યું હતું, આ કૃત્યને ટીએમસી દ્વારા "તુષ્ટિકરણની રાજનીતિ" ગણાવ્યું હતું. પરિણામે, ત્યારબાદની ચૂંટણી રેલીઓમાં, સયાનીએ હનુમાન ચાલીસા અને અન્ય ધાર્મિક ગ્રંથોના ફકરાઓ પણ વાંચ્યા હતા. રાજકારણમાં પ્રવેશતા પહેલા પણ સયાની ઘોષે વિવાદ ઉભો કર્યો હતો. 2015 માં, તેણીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર શિવલિંગને લઇને વાંધાજનક કાર્ટૂન શેર કર્યુ હતું. આ પોસ્ટે હિન્દુ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ દેશવ્યાપી હોબાળો મચાવ્યો હતો. 2021માં જ્યારે તેણી રાજકારણમાં પ્રવેશી, ત્યારે તેણીએ આ ઘટના અંગે જાહેર માફી માંગી.

વર્ષો સુધી મમતા બેનર્જીના નજીકના ચહેરા તરીકે ઓળખ મેળવનાર સાયની ઘોષ હવે નવા રાજકીય સમીકરણોને કારણે ફરી ચર્ચામાં છે. તૃણમૂલ કોંગ્રેસની આંતરિક રાજનીતિમાં ઊભા થયેલા મતભેદો વચ્ચે તેમનું નામ બળવાખોર નેતાઓ સાથે જોડાઈ રહ્યું છે. બંગાળની રાજનીતિમાં ઝડપથી ઉભરેલી આ નેતાની આગામી રાજકીય ચાલ પર હવે સૌની નજર ટકેલી છે.