
ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં સોનું 5,595 ડોલર પ્રતિ ઔંસની ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયું હતું. ત્યારપછી તેમાં સતત નરમાઈ જોવા મળી રહી છે. આ આકસ્મિક ઘટાડાને કારણે તે રોકાણકારોને મોટું નુકસાન થયું છે જેમણે સોનાને રેકોર્ડ હાઈ સપાટી પર ખરીદ્યું હતું. જોકે આ રોકાણકારો બજારમાં રિકવરીની આશા રાખી રહ્યા છે, પરંતુ નિષ્ણાતોના મતે ટૂંકા ગાળામાં હજુ વધુ ઘટાડો થવાનું અનુમાન છે.

છેલ્લા એક સપ્તાહના આંકડા પર નજર કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં નજીવો સુધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું સામાન્ય મજબૂતી સાથે 4,222 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.જ્યારે ભારતમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો ભાવ 1.17 ટકા વધીને 1,50,675 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

એક અહેવાલ મુજબ કોમોડિટી એનાલિસ્ટએ જણાવ્યું છે કે હાલમાં સોના સામે બે મુખ્ય પડકારો છે. પહેલુ છે અમેરિકાની સેન્ટ્રલ બેંક (US Fed) દ્વારા વ્યાજદરમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે.બીજુ કે વૈશ્વિક સ્તરે ડોલર ઇન્ડેક્સમાં જોવા મળી રહેલી તેજી સોનાના ભાવ માટે નકારાત્મક સંકેત છે

જ્યારે પણ વ્યાજદરમાં વધારો થાય છે અને ડોલર મજબૂત બને છે, ત્યારે સુરક્ષિત રોકાણ તરીકે સોનાની ચમક ઓછી થવા લાગે છે અને તેના પર વેચવાલીનું દબાણ વધે છે.

નિષ્ણાતોના મતે, સોના અને ચાંદીના ભાવમાં કાયમી તેજી ત્યારે જ સંભવ છે જ્યારે મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ)માં ચાલી રહેલો તણાવ સંપૂર્ણપણે શાંત થાય અને ક્રૂડ ઓઈલના ભાવ ઘટીને 80 ડોલર પ્રતિ બેરલની નીચે આવી જાય. જોકે, હાલમાં વૈશ્વિક બજારમાં કાચું તેલ (Crude Oil) 90 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

વૈશ્વિક બ્રોકરેજ ફર્મ યુબીએસ (UBS) ના અંદાજ મુજબ, સોનામાં નબળાઈનો આ ટ્રેન્ડ આગામી સમયમાં પણ ચાલુ રહી શકે છે, જેના કારણે ટૂંકા ગાળામાં (Short Term) ભાવ ઝડપથી નીચે આવી શકે છે.

શોર્ટ ટર્મમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનું ઘટીને 3,850 થી 4,000 ડોલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. નોંધનીય છે કે મિડલ ઈસ્ટના તણાવને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેના લીધે પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. આ સ્થિતિને કારણે અમેરિકા અને ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફુગાવો (Inflation) એટલે કે મોંઘવારી વધવાનો ખતરો વધુ ઘેરો બન્યો છે.