
આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય શૂટિંગને નવી ઓળખ આપનાર દેશના ગોલ્ડન બોય અને ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય પિસ્તોલ શૂટર જસપાલ રાણાનું નિધન થયું છે. આ સમાચારથી રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. કોચ જસપાલ એશિયન ગેમ્સના ભૂતપૂર્વ સુવર્ણ ચંદ્રક વિજેતા છે અને સ્ટાર શૂટર મનુ ભાકરના કોચ રહી ચૂક્યા છે, જેણે બે વખત ઓલિમ્પિકમાં મેડલ જીત્યા છે.

ભારતીય શૂટિંગના દિગ્ગજ અને દેશના ગોલ્ડન બોય તરીકે ઓળખાતા જસપાલ રાણાનું અવસાન થયું છે. તેઓ 49 વર્ષની ઉંમરે દિલ્હી સ્થિત સાકેત હોસ્પિટલમાં અવસાન પામ્યા. જર્મનીથી પરત આવ્યા બાદ તેમની તબિયત અચાનક બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનથી સમગ્ર રમત જગતમાં શોક છવાઈ ગયો છે.

જસપાલ રાણાનો જન્મ 28 જૂન 1976ના રોજ ઉત્તરાખંડના તેહરી ગઢવાલ જિલ્લાના ચિલામૂ ગામમાં થયો હતો. તેમના પિતા નારાયણ સિંહ રાણા પણ જાણીતા શૂટર હતા. પિતાથી પ્રેરણા લઈને જસપાલે નાની ઉંમરે જ શૂટિંગ શરૂ કર્યું અને ટૂંક સમયમાં રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું શરૂ કર્યું.

1994ની એશિયન ગેમ્સમાં તેમણે 25 મીટર સેન્ટર-ફાયર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતને મોટી ઓળખ આપી. તે સમયની મુશ્કેલ પરિસ્થિતિઓ અને સાધનોની અછત છતાં તેમની જીત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને ભારતીય શૂટિંગ માટે એક ટર્નિંગ પોઈન્ટ બની.

1995માં ઇટાલી ના મિલાનમાં યોજાયેલી કોમનવેલ્થ શૂટિંગ ચેમ્પિયનશિપમાં જસપાલ રાણાએ એક જ સ્પર્ધામાં 8 ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. આ પ્રદર્શન ભારતીય રમત ઇતિહાસમાં સૌથી યાદગાર સિદ્ધિઓમાં ગણાય છે અને ત્યારથી તેમને “ગોલ્ડન બોય” તરીકે ઓળખ મળવા લાગી.

2006ના દોહા એશિયન ગેમ્સમાં 102 ડિગ્રી તાવ હોવા છતાં તેમણે ભાગ લીધો અને 3 ગોલ્ડ મેડલ જીત્યા. તેમની કારકિર્દી દરમિયાન તેમને વિશ્વપ્રસિદ્ધ કોચ ટિબોર ગોન્ઝાલોનું માર્ગદર્શન મળ્યું. ખેલાડી જીવન બાદ તેઓ કોચ બન્યા અને પૌંધા સ્થિત જસપાલ રાણા શૂટિંગ એકેડેમી દ્વારા યુવા ખેલાડીઓને તાલીમ આપી. તેઓ ભારતીય જુનિયર ટીમના કોચ પણ રહ્યા અને મનુ ભાકર તથા સૌરભ ચૌધરી જેવા ખેલાડીઓને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

જસપાલ રાણાને અર્જુન એવોર્ડ, યશ ભારતી, રાજધાની રત્ન અને ઇન્દિરા ગાંધી પ્રિયદર્શિની પુરસ્કાર સહિત અનેક સન્માન મળ્યા હતા. 2020માં તેમને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. NRAI દ્વારા તેમને 25 મીટર પિસ્તોલ ઇવેન્ટ માટે હાઈ-પરફોર્મન્સ કોચ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે 2009માં ભાજપ તરફથી ચૂંટણી લડી અને 2014 પહેલાં કોંગ્રેસમાં જોડાયા. તેમની પુત્રી દેવાંશી રાણા પણ રાષ્ટ્રીય સ્તરની શૂટર છે. ઓલિમ્પિક મેડલ જીતવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહ્યું, પરંતુ ભારતીય શૂટિંગને વૈશ્વિક ઓળખ આપનાર તેમનો વારસો હંમેશા જીવંત રહેશે.