
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળ સ્થિત બેલુર મઠની મુલાકાત બાદ પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કર્યા. તેમણે જણાવ્યું કે બેલુર મઠની મુલાકાત હંમેશા ખાસ અને આત્મિક શાંતિ આપનાર હોય છે.

મોદીએ પોતાના સંદેશમાં કહ્યું કે સેવા, સમરસતા અને આંતરિક શક્તિનો શાશ્વત સંદેશ દરેકના મન પર ઊંડો પ્રભાવ છોડે છે. તેમણે બેલુર મઠને શ્રી રામકૃષ્ણ પરમહંસ, માતા શ્રી શારદા દેવી અને સ્વામી વિવેકાનંદના આદર્શોને સમર્પિત પ્રેરણાદાયક સ્થાન ગણાવ્યું.

તેમણે જણાવ્યું કે બેલુર મઠ પેઢી દર પેઢી લોકોને માનવસેવા માટે પ્રેરણા આપતું રહ્યું છે. મુલાકાત દરમિયાન વડાપ્રધાને સ્વામી વિવેકાનંદ ધ્યાન કરતા હતા તે રૂમની પણ મુલાકાત લીધી, જે તેમના માટે ખાસ અનુભૂતિસભર રહી.

આ ઉપરાંત, વડાપ્રધાને સ્વામી ગૌતમનંદજી મહારાજ સાથે મુલાકાત કરી હતી. તેમણે સ્વામી ગૌતમનંદજીના સમાજસેવાના પ્રયાસોની પ્રશંસા કરી અને તેને ખૂબ પ્રેરણાદાયક ગણાવ્યા.

મોદીએ બેલુર મઠને માત્ર ધાર્મિક સ્થળ નહીં, પરંતુ માનવતા, સેવા અને એકતા માટેનું જીવંત પ્રતિક ગણાવ્યું.

વડાપ્રધાન મોદીની આ મુલાકાતને આધ્યાત્મિક અને સામાજિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
