
ખાન સર પટના ફેમસ શિક્ષક છે. જે ઘણા સમયથી સોશિયલ મીડિયામાં સૌથી વધુ જોવાતી વ્યક્તિઓમાંના એક છે. તાજેતરમાં ખાન સર તેમના કોચિંગ સેન્ટરને લઈને વિવાદમાં સપડાયા છે. ખાન સરની કારકિર્દીમાં સૌથી ભયાનક વળાંક તાજેતરમાં આવ્યો, જેણે પટનાથી લઈને દિલ્હી સુધીના પોલીસ વિભાગને દોડતું કરી દીધું છે. પટનાના એક અત્યંત વ્યસ્ત વિસ્તારમાં આવેલી ખાન સરની પ્રતિષ્ઠિત કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બહાર અચાનક ખુલ્લેઆમ અંધાધૂંધ ગોળીબાર થયો હતો. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. દરમિયાન જાણીએ કે ખાન સર કેમ વિદ્યાર્થીઓમાં આટલા લોકપ્રિય છે અને તે ખરેખર કેટલું ભણેલા છે.

પટનાના ફેમસ શિક્ષક 'ખાન સર' ની. પોતાની અનોખી ટીચિંગ સ્ટાઈલથી દેશભરમાં જાણીતા બનેલા ખાન સર અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો પર હેડલાઈન્સમાં છે. જોકે, આ વખતે ચર્ચા તેમના કોઈ ક્લાસ કે વીડિયોની નહીં, પરંતુ તેમની સંસ્થા બહાર થયેલા સનસનાટીભર્યા ફાયરિંગની છે. શું આ ફાયરિંગ પાછળ કોઈ અંગત દુશ્મનાવટ હતી, ખંડણીનો માલો હતો કે પછી સીધા ખાન સરને જ નિશાન બનાવવામાં આવ્યા હતા? પોલીસની ખાસ ટીમો હાલ સીસીટીવી ફૂટેજની તપાસ કરી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તમે યુટ્યુબ ઓપન કરો કે ઇન્સ્ટાગ્રામ રીલ્સ સ્ક્રોલ કરો, તમને ઘણીવાર હાથમાં લાકડાનો ગ્લોબ કે નકશો પકડીને, દેશ અને દુનિયાના જટિલ મુદ્દાઓને દેશી શૈલીમાં અને રમૂજી અંદાજમાં સમજાવતો એક ચહેરો ચોક્કસ જોવા મળશે. વિદ્યાર્થીઓમાં લોકપ્રિય થયેલા ખાન સર કેટલું ભણેલા છે તેને લઈને લોકો ખરેખર અજાણ છે. લોકો અવારનવાર એવું માની લેતા હોય છે કે ખાન સર માત્ર સામાન્ય જ્ઞાન (GK) ની વાતો કરે છે એટલે તેઓ સામાન્ય ભણેલા હશે. પરંતુ તેમની સત્તાવાર પ્રોફાઇલ અને મીડિયા અહેવાલો મુજબ, તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ખૂબ જ મજબૂત છે

તાજેતરના આ વિવાદો વચ્ચે, લોકો ઇન્ટરનેટ પર ખાન સર વિશે અને તેમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ (Educational Background) વિશે ખૂબ સર્ચ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના દેવરિયામાં જન્મેલા ફૈઝલ ખાન (ખાન સરનું સાચું નામ) ઉચ્ચ અભ્યાસ માટે પ્રયાગરાજ (અલ્હાબાદ) ગયા હતા. તેમણે પ્રતિષ્ઠિત અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી સાયન્સ સ્ટ્રીમમાં સ્નાતક (B.Sc.) પૂર્ણ કર્યું અને ત્યારબાદ ત્યાંથી જ માસ્ટર ઓફ સાયન્સ (M.Sc.) ની ડિગ્રી મેળવી.

વિજ્ઞાનનો અભ્યાસ કર્યા પછી પણ તેઓ અટક્યા નહીં. તેમણે અલ્હાબાદ યુનિવર્સિટીમાંથી જ જિયોગ્રાફી (ભૂગોળ) વિષયમાં માસ્ટર ઓફ આર્ટ્સ (M.A.) ની ડિગ્રી મેળવી. આ જ કારણ છે કે જ્યારે તેઓ નકશા પર દેશ-દુનિયાની સરહદો સમજાવે છે, ત્યારે આ વિષય પર તેમનું અદભુત પ્રભુત્વ સાફ દેખાઈ આવે છે. ભૂગોળમાં એમ.એ. કરેલું હોવાથી ઇન્ડિયન મેપ, વર્લ્ડ મેપ અને જીઓપોલિટિક્સ (ભૂરાજનીતિ) તેમનો સૌથી મજબૂત પક્ષ છે.દેશનું બંધારણ હોય કે ઇતિહાસની કોઈ મોટી લડાઈ, ખાન સર તેને એક રસપ્રદ વાર્તાની જેમ વિદ્યાર્થીઓના મગજમાં ઉતારી દે છે.

સાયન્સના સ્ટુડન્ટ હોવાના નાતે તેઓ વિજ્ઞાનના અઘરા સિદ્ધાંતો તેમજ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સને ભોજપુરી અને સરળ હિન્દીના ઉદાહરણો આપીને ચપટીમાં સમજાવી દે છે. તેમની આ સંસ્થા UPSC, BPSC, રેલ્વે અને SSC જેવી મોટી પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયાર કરે છે.ખાન સરની ડિજિટલ ચેનલ 'ખાન જીએસ રિસર્ચ સેન્ટર' અથવા તેમની 'KGS' (ખાન ગ્લોબલ સ્ટડીઝ) એપ જુઓ, તો સમજાશે કે તેઓ કોઈ એક વિષય પૂરતા સીમિત નથી. તેઓ મુખ્યત્વે જનરલ સ્ટડીઝ (GS) અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના નિષ્ણાત છે. તેઓ પોતે આ મુખ્ય વિષયો ભણાવે છે.

વિદ્યાર્થીઓને વિવિધ વિષયનું જ્ઞાન આપનાર ખાન સર તેમના માટે યુટયુબ ચેનલ ઉપરાંત પટનામાં કોચિંગ સેન્ટર ચલાવે છે. જયાં ઓછી ફિમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ જ્ઞાન મેળવે છે. વિવિધ વિષયો પર પ્રભુત્વ તેમજ વિદ્યાર્થીઓને સરળતાથી શિક્ષણ આપવાની તેમની શૈલીએ જ તેમને આટલા લોકપ્રિય બનાવ્યા. સાયન્સ અને આર્ટસમાં અભ્યાસ કર્યા બાદ ખાન સર કોઈ વિશેષ નોકરી મેળવવાના બદલે વિદ્યાર્થીઓને વધુ જ્ઞાન મળે અને તેમની કારર્કિદી તેજસ્વી બને તે જ તેમનો ઉદેશ્ય રહેલો છે.