
દુનિયાભરમાં ભારતના કૃષિ ઉત્પાદનોની ધૂમ મચેલી છે, જેમાં અનાનસ (Pineapple) પણ મોખરે છે. વિશ્વના 20થી વધુ એવા દેશો છે જ્યાં ભારતીય અનાનસની સૌથી વધુ માંગ છે. આમ તો ભારતમાં અનાનસના ઉત્પાદનમાં પશ્ચિમ બંગાળ પ્રથમ અને અસમ બીજા ક્રમે છે, પરંતુ જ્યારે સૌથી ખાસ અને ગુણવત્તાયુક્ત અનાનસની વાત આવે છે ત્યારે કેરળના એક નાનકડા શહેર 'વાઝકુલમ' (Vazhakulam) નું નામ સૌથી પહેલા લેવાય છે. આ નાનકડા વિસ્તારને ભારતની 'પાઇનેપલ સિટી' તરીકે ઓળખવામાં આવે છે.

કેરળને સામાન્ય રીતે નાળિયેરની ભૂમિ કહેવામાં આવે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે હવે નાળિયેર ઉત્પાદનમાં કર્ણાટક અને તમિલનાડુ આગળ નીકળી ગયા છે. બીજી તરફ, કેરળનું વાઝકુલમ અનાનસના ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે. સમગ્ર કેરળમાં પેદા થતા કુલ અનાનસમાં 80 ટકાથી વધુ હિસ્સો માત્ર આ એક જ જગ્યાનો છે. અહીંના અનાનસ પોતાની ખાસ મીઠાશ, અદ્ભુત સુગંધ અને ઉત્કૃષ્ટ ગુણવત્તા માટે જાણીતા છે.

વર્ષ 2009માં વાઝકુલમના અનાનસને ભૌગોલિક સંકેત એટલે કે 'GI ટેગ' (Geographical Indication) પણ મળ્યો છે, જેના કારણે વૈશ્વિક બજારમાં તેની બ્રાન્ડ વેલ્યુ ખૂબ વધી ગઈ છે.

અહીંનો ગરમ-ભેજવાળો લેન્ડસ્કેપ, ભારે વરસાદ અને ફળદ્રુપ ગોરાડુ (દોમટ) માટી અનાનસની ખેતી માટે વરદાન સમાન છે. આ કારણે અહીંના ફળ કદમાં મોટા અને વધુ મીઠા હોય છે.અહીંના ખેડૂતો પેઢીઓથી અનાનસની ખેતી કરે છે. સમય સાથે તેમણે નવી ટેકનોલોજી અપનાવીને ઉત્પાદનમાં જબરદસ્ત વધારો કર્યો છે.

વાઝકુલમ અને તેની આસપાસના હજારો હેક્ટર વિસ્તારમાં માત્ર અનાનસની જ ખેતી થાય છે, જે તેને દક્ષિણ ભારતનું સૌથી મોટું કેન્દ્ર બનાવે છે.2009માં જીઆઈ ટેગ મળ્યા બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પ્રોડક્ટની ઓળખ અને નિકાસ બંનેમાં મોટો ઉછાળો આવ્યો છે.

વાઝકુલમ માત્ર કાચા અનાનસ જ નહીં, પરંતુ તેમાંથી જ્યુસ, જેમ અને અન્ય પ્રોસેસ્ડ ફૂડ બનાવીને અખાતી દેશો સહિત દુનિયાભરમાં એક્સપોર્ટ કરે છે.

કેરળ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના અહેવાલ મુજબ, ભારત 100થી વધુ દેશોમાં અનાનસની નિકાસ કરે છે, જેમાં 20 દેશો મુખ્ય ખરીદદારો છે. મિડલ ઈસ્ટના દેશો જેવા કે સંયુક્ત આરબ અમીરાત (UAE), કતાર, સાઉદી અરેબિયા, ઓમાન અને બહેરીનમાં તેની ભારે માંગ છે. આ ઉપરાંત નેપાળ, માલદીવ, બાંગ્લાદેશ, ભૂટાન, અમેરિકા, બ્રિટન, બેલ્જિયમ, કઝાકિસ્તાન, ઝામ્બિયા અને ઈરાન જેવા દેશો પણ ભારતીય અનાનસના મોટા ચાહક છે.

એશિયામાં ભારત અનાનસના બજારનું એક મોટું હબ બની ગયું છે, જે કેરળની અર્થવ્યવસ્થાને મજબૂત આધાર આપી રહ્યું છે.