
તમે અવારનવાર સાંભળ્યું હશે કે કોઈ આરોપી ગુનો કર્યા પછી જેલની સજા કાપવા જાય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ પોતાની મરજીથી પૈસા આપીને જેલમાં બંધ થવા જાય? ચીનમાં એક એવી જ અનોખી જગ્યા આવેલી છે, જેને ફેટ જેલ કહેવામાં આવે છે. અહીં ગુનેગારોને નહીં, પરંતુ મેદસ્વીપણાથી પરેશાન લોકોને રાખવામાં આવે છે. નવાઈની વાત એ છે કે લોકો પોતે જ અહીં આવવા માટે પૈસા આપે છે અને થોડા સમય માટે કેદ જેવું જીવન જીવે છે. આ સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પરંતુ આ સત્ય છે અને ધીમે-ધીમે લોકોમાં લોકપ્રિય પણ થઈ રહ્યું છે.

ચીનમાં ઝડપથી લોકપ્રિય થઈ રહેલા આ વેટ લોસ કેમ્પને સેનાના ટ્રેનિંગ કેમ્પની જેમ તૈયાર કરવામાં આવ્યા છે. આ જગ્યા અસલી જેલ નથી પરંતુ એક પ્રકારનો વેટ લોસ કેમ્પ છે, જ્યાં લોકો પોતાનું વજન ઓછું કરવા માટે આવે છે. દાવો કરવામાં આવે છે કે અહીં આશરે 28 દિવસનો કાર્યક્રમ ચાલે છે, જેમાં સખત નિયમો અને શિસ્ત સાથે લોકોનું વજન ઘટાડવામાં આવે છે.

લોકોએ જણાવ્યું કે તેમનો અનુભવ બિલકુલ જેલ જેવો હતો. તેઓ 28 દિવસ સુધી કેમ્પસની બહાર જઈ શકતા નહોતા અને તેમને દરરોજ પોતાનું વજન પણ ચેક કરવું પડતું હતું.

આ 28 દિવસના કાર્યક્રમ માટે તેમને આશરે 1000 ડોલર, એટલે કે લગભગ 89 હજાર રૂપિયા ખર્ચવા પડતા હતા. આ દરમિયાન તેમને સંપૂર્ણપણે નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવે છે અને તેમનું જીવન કેદીઓ જેવું બનાવી દેવામાં આવે છે.

આ ફેટ જેલમાં રહેનારાઓએ દરરોજ મહેનત કરવી પડે છે. અહેવાલ મુજબ, આ કેમ્પમાં દિવસની શરૂઆત ખૂબ જ સખત રૂટિનથી થાય છે. સવારથી જ કસરતનો સિલસિલો શરૂ થઈ જાય છે, જેમાં એરોબિક્સ, હાઈ ઇન્ટેન્સિટી ટ્રેનિંગ અને અન્ય ફિટનેસ પ્રવૃત્તિઓ સામેલ હોય છે. દરરોજ આશરે ચાર કલાક સુધી સતત કડી મહેનત કરાવવામાં આવે છે. એટલું જ નહીં, અહીં ખાવા-પીવા પર પણ સંપૂર્ણ નિયંત્રણ રાખવામાં આવે છે. દિવસમાં માત્ર ત્રણ વાર મર્યાદિત માત્રામાં ખોરાક આપવામાં આવે છે અને બહારનું કોઈ પણ ફૂડ કે જંક ફૂડ લાવવાની પરવાનગી હોતી નથી.

આ ફેટ જેલમાં ખાવા-પીવા પર પણ પૂરો કંટ્રોલ રાખવામાં આવે છે. દિવસમાં માત્ર ત્રણ વાર જ જમવાનું આપવામાં આવે છે અને તે પણ નક્કી કરેલી માત્રામાં. જમવાનું ટ્રેમાં પીરસવામાં આવે છે, જેથી કોઈ વધારે ન ખાઈ શકે. નાસ્તો અત્યંત હળવો હોય છે, જ્યારે બપોરના ભોજનમાંતળેલા શાકભાજી અને કાચા ગાજર જેવી વસ્તુઓ સામેલ હોય છે. બહારથી કંઈ પણ ખાવાની મંજૂરી હોતી નથી. કેમ્પમાં એન્ટ્રી સમયે તમામ લોકો પાસેથી તેમની પ્રતિબંધિત ખાવાની વસ્તુઓ જમા કરાવી લેવામાં આવે છે.

આ ફેટ જેલને જોઈને પહેલી નજરે કોઈ પણ તેને સામાન્ય જેલ સમજી શકે છે. આ કેમ્પનું વાતાવરણ કોઈ જેલથી ઓછું હોતું નથી. ઊંચી દીવાલો, મોટા ગેટ અને સખત દેખરેખ તેને સંપૂર્ણપણે કેદ જેવું બનાવી દે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કોઈ નક્કર કારણ વગર અહીંથી બહાર જવાની પરવાનગી મળતી નથી એટલે કે એકવાર અંદર ગયા, તો 28 દિવસ પૂરા કરવા જ પડે છે. જોકે કેટલાક લોકો તેને વજન ઘટાડવાની અસરકારક રીત માને છે, પરંતુ ઘણા લોકો તેને ખૂબ જ સખત અને જોખમી પણ ગણાવે છે. આ જ કારણ છે કે ચીનની આ અનોખી ફેટ જેલ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે.