
ઉનાળાની ગરમીથી બચવા માટે આજે ઘરમાં કે ઓફિસમાં એસીનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. પરંતુ ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શું એસીમાં વધુ સમય વિતાવવાથી હાડકાં નબળાં પડી જાય છે અથવા સંધિવાની સમસ્યા વધે છે?

ઓર્થોપેડિક નિષ્ણાંતના જણાવ્યાનુસાર એસી સીધી રીતે હાડકાંને નબળાં પાડતું નથી. હાડકાંની મજબૂતી મુખ્યત્વે કેલ્શિયમ, વિટામિન ડી, સંતુલિત આહાર અને નિયમિત કસરત પર આધાર રાખે છે.

જો કોઈ વ્યક્તિ પોતાનો મોટાભાગનો સમય એસી રૂમ કે ઓફિસમાં જ વિતાવે છે અને તડકાના સંપર્કમાં બિલકુલ આવતી નથી, તો તેના શરીરમાં વિટામિન ડીની ઉણપ થવા લાગે છે. લાંબા સમય સુધી વિટામિન ડીની આ કમી રહેવાને કારણે હાડકાં અંદરથી ખોખલા અને નબળાં પડવા લાગે છે. આ જ કારણ છે કે વધુ પડતો એસીનો ઉપયોગ પરોક્ષ રીતે હાડકાંની ગંભીર બીમારી 'ઓસ્ટિયોપોરોસિસ'નું જોખમ નોંધપાત્ર રીતે વધારી દે છે.

તબીબી નિષ્ણાતો સ્પષ્ટ કરે છે કે એસી ક્યારેય સંધિવા કે ગઠિયાનું મુખ્ય કારણ બનતું નથી અને તે સાંધાને કાયમી નુકસાન પણ પહોંચાડતું નથી. જો કે, ખૂબ જ ઠંડા વાતાવરણમાં રહેવાથી સ્નાયુઓ અકડાઈ જાય છે, જેના કારણે ખાસ કરીને ઓસ્ટિયો આર્થરાઈટિસના દર્દીઓને સાંધામાં દુખાવો અને અસહજતા વધુ અનુભવાય છે. આ દુખાવો માત્ર તાપમાનના ઘટાડાને કારણે થાય છે, સ્નાયુઓની કોઈ નવી બીમારીને કારણે નહીં.

એસીના દુષ્પ્રભાવોથી બચવા અને શરીરમાં વિટામિન ડીની પૂર્તિ કરવા માટે રોજ સવારે 10 મિનિટ તડકામાં બેસવાની ટેવ પાડો. ડૉક્ટરોના મતે સવારે 7 થી 8 વાગ્યાનો કુમળો તડકો વિટામિન ડી મેળવવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બપોરે 12 થી 4 વાગ્યા સુધીના આકરા તડકામાં જવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચા કાળી પડવાની કે ટેનિંગ થવાની શક્યતા વધી જાય છે.

હાડકાંની તંદુરસ્તી માટે આહારમાં દૂધ, પનીર અને દહીં જેવા કેલ્શિયમયુક્ત ડેરી ઉત્પાદનો તેમજ દેશી ઘીનો સમાવેશ કરો, જે વિટામિન ડીની ઉણપ પૂરી કરે છે. આ સાથે જ રોજ હળવી કસરત અથવા વોકિંગ જરૂર કરો જેથી પાચનતંત્ર અને સાંધા મજબૂત રહે. સરકારી માર્ગદર્શિકા મુજબ એસીનું તાપમાન હંમેશા 24 ડિગ્રીની આસપાસ જ સેટ રાખવું જોઈએ, જેથી શરીર જકડાઇ ન જાય. લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાનું ટાળો.