
વાળની સંભાળ માટે ઘણા પ્રકારના ઘરેલું ઉપચાર અપનાવે છે. ડુંગળીનો રસ તેમાંથી ખૂબ જ પ્રખ્યાત છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે ડુંગળી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે અને તેને લગાવવાથી ખાસ કરીને વાળના વિકાસમાં મદદ મળે છે. ડુંગળીના રસનો આ ઉપચાર તમે અઠવાડિયામાં બે વાર અને સતત 4-6 અઠવાડિયા સુધી કરશો તો તમારા વાળ મજબૂત, જાડા અને સ્વસ્થ બની શકે છે.

ડુંગળીમાં સલ્ફર ભરપૂર માત્રામાં હોય છે, જે કેરાટિન એટલે કે વાળના પ્રોટીનને મજબૂત બનાવે છે. તેમાં રહેલું ક્વેરસેટિન ખોપરી ઉપરની ચામડીની બળતરા ઘટાડે છે.

મોટાભાગના લોકો ડુંગળીને પીસીને અથવા તેનો કાચો રસ કાઢીને સીધો માથા પર લગાવે છે. આ સૌથી મોટી ભૂલ છે. કાચી ડુંગળીનો રસ માથાની ચામડીમાં બળતરા, ખંજવાળ અને લાલાશનું કારણ બની શકે છે. આનાથી વાળને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે.

ડુંગળીમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો હોવાના કારણે તેનો ઉપયોગ ખોડો અને ફંગલ ચેપ સામે વાળને રક્ષણ આપે છે. અને એટલે જ વાળ સંબંધિત સમસ્યા અને વાળનો ગ્રોથ વધારવા ડુંગળીનો રસ અસરકારક ઉપચાર છે.

વાળની સમસ્યા દૂર કરવા ડુંગળીના ઉપયોગની સાચી રીત આથો લાવવાની છે. એટલે આ રસને 72 કલાક (3 દિવસ) સુધી આથો આવવા દો. જેના કારણે તેનું pH સંતુલિત થશે અને પોષક તત્વો વધુ અસરકારક બનશે. ત્યારબાદ આ રસને માથાની ચામડી પર લગાવો.

વાળમાં સારા પરિણામ માટે ડુંગળીના રસમાં રોઝમેરી તેલ ભેળવવાની એક્સપર્ટ દ્વારા સૂચન કરાયું છે. આ માટે આથો આવેલ ડુંગળીના રસમાં 4-5 ટીપાં રોઝમેરી તેલ ઉમેરો. પછી આ મિશ્રણની માથાની ચામડી પર હળવા હાથે માલિશ કરો. 30 મિનિટ સુધી રાખ્યા બાદ તેને હળવા શેમ્પૂથી ધોઈ લેવા.