
સમગ્ર ગુજરાતમાં આજે ઉત્તરાયણના પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગબાજીની સાથોસાથ રાજ્યના મુખ્ય શહેરોમાં ઊંધિયું અને જલેબી ખાવાની પરંપરાએ જોર પકડ્યું છે. આ વર્ષે પણ મોંઘવારીની ચિંતા છોડીને ગુજરાતીઓ પતંગના પેચ લડાવવાની સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણીને તહેવારને યાદગાર બનાવી રહ્યા છે.

વડોદરા - ઉત્તરાયણની સ્વાદિષ્ટ શરૂઆત - વડોદરામાં ઉત્તરાયણ પર્વનો પ્રારંભ ઊંધિયા અને જલેબીની ખરીદીથી થયો છે. શહેરભરની દુકાનો પર સવારથી જ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે ઊંધિયાનો પ્રતિ કિલો ભાવ ₹300 થી ₹500 હોવા છતાં, ગત વર્ષની સરખામણીમાં ભાવમાં કોઈ મોટો વધારો થયો નથી, જેના કારણે ગ્રાહકોમાં ખુશી છે. વડોદરાવાસીઓ પતંગની મોજ માણીને સાથે સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લઈ રહ્યા છે.

સુરત - ઊંધિયા વગર અધૂરી ઉત્તરાયણ - સુરતમાં ઉત્તરાયણ એટલે ઉમંગ અને ઉત્સાહનું પર્વ! સુરતીઓ માટે ઊંધિયા વગર ઉત્તરાયણની કલ્પના પણ શક્ય નથી. શહેરની જાણીતી દુકાનો બહાર જલેબી અને ઊંધિયું ખરીદવા માટે વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી છે. લોકો ગમે તેટલી રાહ જોવી પડે, પણ પોતાના મનપસંદ ઊંધિયા અને ગરમ ગરમ જલેબીનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. આ દ્રશ્યો સુરતીઓની ખાન-પાન પ્રત્યેની અનન્ય ચાહત દર્શાવે છે.

સુરત - પતંગ અને જલેબીનો પર્વ - સુરતમાં ઉત્તરાયણનો માહોલ ચરમસીમાએ છે. આકાશમાં પતંગોની જમાવટ જોવા મળી રહી છે, જ્યારે નીચે જલેબીની ગળ્યાશ અને ઊંધિયાનો ચટપટો સ્વાદ ઉત્સવમાં ચાર ચાંદ લગાડે છે. બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈ આ પર્વને પોતાની રીતે માણી રહ્યા છે.

રાજકોટ - 10 હજાર કિલો 'રજવાડી' ઊંધિયું - રંગીલા રાજકોટમાં ઉત્તરાયણના પર્વ પર ઊંધિયું અને જલેબી ખાવાની અનેરી પરંપરા છે. આ વર્ષે રાજકોટવાસીઓ લગભગ 10 હજાર કિલો "રજવાડી ઊંધિયા"નું વેચાણ કરશે તેવો અંદાજ છે. શહેરમાં 100થી વધુ ઊંધિયાના ધંધાર્થીઓ સ્વાદપ્રેમીઓની જીભને તૃપ્ત કરી રહ્યા છે. ઊંધિયાની સાથે ખીચડો, જલેબી, શેરડી, જીંજરા, ચીક્કી અને બોર ખાવાની પરંપરા રાજકોટની ઉત્તરાયણને વધુ વિશેષ બનાવે છે.

રાજકોટ - ધાબા પર મોજ અને સ્વાદનો સંગમ - રાજકોટના ધાબા પર આજે પતંગની મોજ અને ઊંધિયાના સ્વાદનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. પરિવારો અને મિત્રો સાથે મળીને પતંગ ઉડાડવાની મજા માણી રહ્યા છે, ત્યારે બાજુમાં ગરમ ગરમ ઊંધિયું અને જલેબીની મહેફિલ જામી છે.