
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકના ખેડૂતો માટે આજે એક ખૂબ જ રાહતભર્યા સમાચાર આવ્યા છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે અહીંના ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થતાં ખેડૂતોની હાલત કફોડી બની હતી. પરંતુ આ સંકટના સમયમાં કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન લિમિટેડ તેમની વ્હારે આવી છે

ખેડૂતોને આગામી વાવણી માટે તાત્કાલિક સહાય મળી રહે તે હેતુથી એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બેંક દ્વારા ૧૦ હજારથી વધુ ખેડૂતોને શેરડી સહિત અન્ય પાકોના બિયારણ અને વાવેતર માટે શૂન્ય ટકા (૦%) વ્યાજે ₹૧૦,૦૦૦ સુધીનું ધિરાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી કોડીનાર તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે, કારણ કે સરકારી સહાયની રાહ જોયા વિના તેમને તાત્કાલિક આર્થિક ટેકો મળી જશે. કોડીનાર તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે. ખેતરોમાં તૈયાર થયેલો મગફળી અને સોયાબીનનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે, અને ખેડૂતો પાસે નવી સીઝન માટે બિયારણ ખરીદવાના પણ પૈસા નથી.ત્યારે પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં લીધી અને સહકારી અગ્રણીઓ સાથે અસરગ્રસ્ત ખેતરોની મુલાકાત લીધી.

ખેડૂતોની વેદના જોઈને, તેમણે તાત્કાલિક કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન લી. ના ચેરમેન પ્રતાપસિંહ એસ. ડોડીયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક યોજી, અને ખેડૂતોને મહત્તમ મદદ કરવા માટે હૃદયપૂર્વક અનુરોધ કર્યો. દિનુભાઈ સોલંકીના અનુરોધના પગલે, યુનિયન બેન્કે આજે એક મોટી જાહેરાત કરી છે.બેંક સાથે જોડાયેલી સંયોજિત મંડળીઓના ૧૦,૯૦૦ જેટલા સભાસદ ખેડૂતોને સભાસદ દીઠ ₹૧૦,૦૦૦ (દસ હજાર રૂપિયા) સુધીનું ધિરાણ. આપશે સૌથી મોટી વાત એ કે, આ ધિરાણ શૂન્ય ટકા (૦%) વ્યાજ દરે આપવામાં આવશે.

આ ધિરાણ મુખ્યત્વે શેરડીના બિયારણની ખરીદી માટે અપાશે, જેનાથી ખેડૂતો વિના વ્યાજે આગામી વાવેતર કરી શકશે. જ્યાં એક તરફ સરકારી સહાય ક્યારે આવશે તે નક્કી નથી, ત્યાં આ તાત્કાલિક મળનારો ટેકો ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થશે.

નિઃશંકપણે કહી શકાય કે, કોડીનાર તાલુકા કો-ઓપરેટીવ બેન્કિંગ યુનિયન અને દિનુભાઈ સોલંકીની ટીમે ખેડૂતોની પડખે ઊભા રહીને સહકારની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.