
સુરત આજે ફરી કેસરીયું બન્યું છે! 120માંથી 115 બેઠકો પર વિજય મેળવીને ભાજપે 30 વર્ષ જૂનો ઇતિહાસ દોહરાવ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે સમગ્ર રાજ્યમાં વિજયકૂચ જાળવી રાખી છે, પરંતુ સુરત મહાનગરપાલિકામાં ભાજપે જે પરિણામ મેળવ્યું છે, તેણે સૌને ચોંકાવી દીધા છે. સુરતમાં ભાજપે 30 વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ તોડીને વિપક્ષને અસ્તિત્વ ટકાવવા માટે પણ ફાંફાં પડાવી દીધા છે. જુઓ વિજયના ઉત્સવની કેટલીક ખાસ તસવીરો...

ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ સુરતના વિવિધ વોર્ડમાં ભાજપના ઉમેદવારો અને કાર્યકરોએ ગુલાલ ઉડાડીને જીતની વધામણી કરી હતી. મોઢા પર વિજયનું સ્મિત અને કેસરી ખેસ સાથે કાર્યકરોમાં ભારે જોશ જોવા મળ્યો હતો.

પરિણામ કેન્દ્રોની બહાર જેવો વિજયનો આંકડો સામે આવ્યો, કે તુરંત જ ઉત્સાહિત કાર્યકરોએ પોતાના માનીતા ઉમેદવારોને ખભા પર ઉંચકી લીધા હતા અને ભાજપના સમર્થનમાં જોરદાર નારા લગાવ્યા હતા.

આ ચૂંટણીમાં મહિલા ઉમેદવારોએ પણ મેદાન માર્યું છે. જીત બાદ મહિલા કોર્પોરેટરોએ 'વિક્ટરી સાઈન' બતાવીને મતદારોનો આભાર માન્યો હતો. ભાજપની આ જીતમાં મહિલા મતદારોનો મોટો ફાળો હોવાનું ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

સુરતની જનતાએ 1995ના ઇતિહાસને ફરી જીવંત કર્યો છે. વિપક્ષનો સફાયો કરીને જનતાએ ભાજપના વિકાસ અને સંગઠન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સાંજ સુધી સુરતના રાજમાર્ગો પર કેસરી ધ્વજ લહેરાતા રહ્યા. ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડીને આ સુવર્ણ વિજયને વધાવ્યો હતો.

વિજેતા ઉમેદવારોનું ઠેર-ઠેર ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વરિષ્ઠ નેતાઓ અને સામાન્ય જનતાએ સાથે મળીને આ ઐતિહાસિક જીતની ઉજવણી કરી, જે સુરતને ભાજપનો 'અજેય ગઢ' સાબિત કરે છે.

સુરત મહાનગરપાલિકામાં 11 પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડમાંથી 10 વોર્ડમાં ભાજપની પેનલ વિજયી થઈ છે. માત્ર વોર્ડ નંબર 17 માં 'આપ' નો વિજય થયો છે.