PM મોદીએ તોડ્યો પંડિત નેહરુનો રેકોર્ડ, દેશમાં સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનારા પ્રધાનમંત્રી બન્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટાયેલા પીએમ તરીકે સૌથી લાંબા કાર્યકાળનો પંડિત નેહરુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. NDA સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થતાં ૧૦ જૂને દિલ્હીમાં શક્તિ પ્રદર્શન યોજાશે.

મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ

1/4PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ ભારતના ઈતિહાસમાં એક નવો આંકડો પાર કરીને અજોડ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. પીએમ મોદી દેશમાં સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા (નિર્વાચિત) વડાપ્રધાન રહેવાનો પંડિત જવાહરલાલ નેહરુનો રેકોર્ડ તોડીને આગળ નીકળી ગયા છે. વડાપ્રધાન તરીકે સત્તામાં તેમના ૧૨ વર્ષ પૂર્ણ થયા છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ પ્રથમ વખત પીએમ પદના શપથ લેનાર નરેન્દ્ર મોદીએ ૯ જૂન ૨૦૨૬ સુધીમાં વડાપ્રધાન તરીકે ૪,૩૯૮ દિવસ (૧૨ વર્ષ અને ૧૫ દિવસ) પૂર્ણ કરી લીધા છે.

2/4PM Modi

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ ૧૩ મે ૧૯૫૨ના રોજ પ્રથમ લોકસભા ચૂંટણી જીત્યા બાદ પીએમ તરીકે શપથ લીધા હતા. તેઓ ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત ૪,૩૯૭ દિવસ (૧૨ વર્ષ અને ૧૪ દિવસ) સુધી પદ પર રહ્યા હતા. જોકે, નેહરુ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭થી ૨૭ મે ૧૯૬૪ સુધી કુલ ૬,૧૩૦ દિવસ વડાપ્રધાન રહ્યા હતા, પરંતુ તેમાંથી શરૂઆતના લગભગ ૫ વર્ષ તેઓ દેશની વચગાળાની (અંતરિમ) સરકારના વડા હતા, જેમાં તેઓ ચૂંટણી જીતીને આવ્યા નહોતા. ચૂંટાયેલા વડાપ્રધાનના કાર્યકાળની દ્રષ્ટિએ હવે પીએમ મોદીએ તેમને પાછળ છોડી દીધા છે.આ પૂર્વે ૨૫ જુલાઈ ૨૦૨૫ના રોજ પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના સતત ૪,૦૭૭ દિવસના કાર્યકાળના રેકોર્ડને પણ પાછળ છોડી દીધો હતો.

3/4PM Modi

પીએમ મોદીએ માર્ચ ૨૦૨૬માં વધુ એક મોટો ઈતિહાસ રચ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન તરીકેના બંને કાર્યકાળને જોડી દેવામાં આવે તો તેઓ ૮,૯૩૧ કરતાં વધુ દિવસો સુધી સત્તાના સર્વોચ્ચ પદ પર રહેનારા ભારતના પ્રથમ નેતા બન્યા છે. આ મામલામાં તેમણે સિક્કિમના પૂર્વ મુખ્યમંત્રી પવન ચામલિંગના ૮,૯૩૦ દિવસ સત્તામાં રહેવાના રેકોર્ડને તોડ્યો હતો.

4/4PM Modi

આ ઐતિહાસિક સિદ્ધિ અને કેન્દ્રમાં એનડીએ સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવા માટે ૧૦ જૂનના રોજ એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની એક મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને ટીડીપી પ્રમુખ એન. ચંદ્રબાબુ નાયડુ એક વિશેષ પ્રસ્તાવ રજૂ કરશે, જેને અન્ય તમામ સહયોગી પક્ષોના નેતાઓ ટેકો આપશે. આ પ્રસ્તાવમાં પીએમ મોદીના ૧૨ વર્ષના શાસનની સિદ્ધિઓ અને દેશહિતના નિર્ણયોની પ્રશંસા કરવામાં આવશે. પંડિત નેહરુ બાદ સતત ત્રણ મુદત (૨૦૧૪, ૨૦૧૯, ૨૦૨૪) જીતનારા નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન છે અને આઝાદ ભારતમાં જન્મેલા તેઓ દેશના પ્રથમ પીએમ છે.

Gallery Ads