
શુભમન ગિલની કેપ્ટન તરીકે ભારતમાં આ પહેલી ટેસ્ટ મેચ હતી. ગિલ એવો બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે, જેણે ઘર પર કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ મેચમાં 50 કે તેનાથી વધુની ઇનિંગ રમી છે.

સ્ટઇન્ડીઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં શુભમન ગિલે ભારત તરફથી પહેલી ઇનિંગમાં 50 રન બનાવ્યા હતા.

ગિલ બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે, જેણે ઘર પર કેપ્ટન તરીકે પોતાની ડેબ્યૂ મેચમાં 50 કે તેનાથી વધુની ઇનિંગ રમી છે. ગિલ હવે મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કરની ક્લબમાં સામેલ થઈ ગયો છે.

ટેસ્ટ મેચના પહેલા દિવસે શુભમન ગિલે કેએલ રાહુલ સાથે મળીને ઇનિંગ સંભાળી હતી અને નોટઆઉટ પરત ફર્યો. બીજા દિવસે શુભમને આત્મવિશ્વાસ સાથે બેટિંગ કરતા કેટલાક શાનદાર શોટ્સ ફટકાર્યા. જો કે પોતાની અડધી સદી પૂરી કર્યા પછી તે તરત આઉટ થઈ ગયો. શુભમનને વિપક્ષી ટીમના કેપ્ટન રોસ્ટન ચેજે જસ્ટિન ગ્રીવ્સના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. શુભમન અને કેએલ રાહુલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 98 રનની પાર્ટનરશીપ થઈ હતી.

શુભમન ગિલે 13 ઇનિંગમાં 64.38ની સરેરાશથી 837 રન બનાવ્યા છે. કેએલ રાહુલ આ મામલે બીજા નંબરે છે. રાહુલે 13 ઇનિંગ્સમાં 49.92ની એવરેજથી 649 રનનો સ્કોર કર્યો છે. રાહુલે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સદી અને બે અડધી સદી ફટકારી છે.

શુભમન ગિલ માટે અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફેવરિટ મેદાન માનવામાં આવે છે, એવામાં તે સદી બનાવશે એવી આશા હતી, પરંતુ તે અડધી સદી બનાવીને તરત આઉટ થઈ ગયો હતો. છતાં પણ 50 રનની ઇનિંગ્સે તેને ખાસ ક્લબમાં સામેલ કરાવી દીધો છે.