
ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા સાત ખેલાડીઓના લિસ્ટમાં કપિલ દેવથી લઈને સ્મૃતિ મંધાના સુધી સામેલ છે. સચિન તેંડુલકરને પાછળ છોડીને સ્મૃતિ મંધાનાએ એક સિદ્ધિ હાંસલ કરી છે.

કપિલ દેવે 1983માં ભારતને પહેલીવાર ICC વર્લ્ડકપ જીત અપાવી હતી. આ દિગ્ગજ ઓલરાઉન્ડરે 8 મેચમાં 60.60 ની એવરેજથી 303 રન બનાવ્યા હતા, જેમાં એક સદી ફટકારી હતી. ભારતે ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવ્યું હતું.

ભારતે 2007માં T20 વર્લ્ડકપ જીત્યો હતો. ગૌતમ ગંભીરે ટુર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે 7 મેચોમાં 6 ઈનિંગમાં 37.83ની એવરેજ સાથે 227 રન બનાવ્યા હતા. તેને ત્રણ અડધી સદી ફટકારી હતી. ભારતે ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.

દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરે 2011ના ODI વર્લ્ડકપમાં 9 મેચમાં 53.55ની એવરેજ સાથે 482 રન બનાવ્યા હતા. તેને 2 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. ભારતે ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું. સચિન ભારત માટે ICC ટુર્નામેન્ટ જીતમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે.

ભૂતપૂર્વ ઓપનર શિખર ધવને 2013ની ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં 5 મેચમાં 90.75ની એવરેજથી 363 રન બનાવ્યા હતા. તેને 2 સદી અને 1 અડધી સદી ફટકારી હતી. શિખર ધવન ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, જેમાં ભારતે ઈંગ્લેન્ડને ફાઈનલમાં હરાવ્યું હતું.

રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે 2024માં T20 વર્લ્ડકપ જીત્યો. "હિટમેન" તરીકે જાણીતા રોહિત ટુર્નામેન્ટમાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેને 8 મેચમાં 36.71 ની એવરેજથી 257 રન બનાવ્યા. ભારતે સાઉથ આફ્રિકા સામે ફાઈનલ જીતી. ટુર્નામેન્ટ પછી, રોહિતે T20I અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારત માટે મિડલ ક્રમના બેટ્સમેન શ્રેયસ ઐયરે સૌથી વધુ રન બનાવ્યા હતા. તેને 5 મેચમાં 48.60 ની એવરેજથી 243 રન બનાવ્યા હતા, જેમાં 2 અડધી સદી ફટકારી છે. ભારતે ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું.

ભારતે ICC મહિલા ODI વર્લ્ડકપ 2025 જીત્યો છે. ભારતે ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. આ ભારતીય મહિલા ટીમની પહેલી ICC ટ્રોફી છે. સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના ટુર્નામેન્ટમાં ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતી. તેણે 9 મેચમાં 434 રન બનાવ્યા, જેમાં 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે. સચિન પછી સ્મૃતિ મંધાનાએ ICC ટુર્નામેન્ટમાં 400 થી વધુ રન બનાવવાનો સિદ્વિ હાંસલ કરી છે, જે ભારતની જીતમાં ફાળો આપે છે.