
જ્યારે T20 વર્લ્ડકપમાં સદી ફટકારનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે લિસ્ટમાં ફક્ત 14 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ દરમિયાન જ્યારે T20 વર્લ્ડકપમાં રન ચેઝમાં સદી ફટકારનારા બેટ્સમેનોની વાત આવે છે, ત્યારે ફક્ત 4 ખેલાડીઓના નામ સામે આવે છે. આ દરમિયાન તમને T20 વર્લ્ડ કપમાં રન ચેઝમાં સદી ફટકારનારા ચાર ખેલાડીઓના નામ જણાવીશું. આ લિસ્ટમાં એક પણ ભારતીય ખેલાડીનો સમાવેશ નથી.

ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં સદી ફટકારવી એ સરળ વાત નથી. પરંતુ વર્લ્ડકપમાં ઘણા ખેલાડીઓ સદી ફટકારી છે અને આ લિસ્ટમાં ઘણાં ખેલાડીઓ એવા છે જેમને વર્લ્ડકપમાં રનચેઝના પ્રેશર સાથે સદી ફટકારી છે. તમને જણાવી દઈએ કે આ લિસ્ટમાં કોણ સામેલ છે.

T20 વર્લ્ડકપમાં રન ચેઝમાં સદી ફટકારવાનો રેકોર્ડ સૌપ્રથમ ઈંગ્લેન્ડના એલેક્સ હેલ્સે બનાવ્યો હતો. એલેક્સ હેલ્સે 2014ના T20 વર્લ્ડકપમાં શ્રીલંકા સામે 116 રન બનાવ્યા હતા. તેને આ ઈનિંગ 64 બોલમાં રમી હતી અને 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તેની ઈનિંગને કારણે ઈંગ્લેન્ડે 190 રનનો ટાર્ગેટ 19.2 ઓવરમાં હાંસલ કર્યો અને મેચ 6 વિકેટે જીતી લીધી.

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલે 2016ના T20 વર્લ્ડકપ ગ્રુપ સ્ટેજ મેચમાં ઈંગ્લેન્ડ સામે શાનદાર સદી ફટકારી હતી. તેને 48 બોલમાં 5 ચોગ્ગા અને 11 છગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝનો 183 રનનો ટાર્ગેટ 18.1 ઓવરમાં પ્રાપ્ત થઈ ગયો હતો અને મેચ 6 વિકેટે જીતી લીધી હતી.

શ્રીલંકાના પથુમ નિસાન્કાએ 2026ના T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા સામે રન ચેઝ દરમિયાન સદી ફટકારી હતી. પથુમ નિસાન્કાની સદી 52 બોલમાં આવી હતી, જેમાં તેને 10 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. શ્રીલંકાએ 182 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો અને મેચ 8 વિકેટે જીતી હતી. શ્રીલંકાની જીતમાં નિસાન્કાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

T20 વર્લ્ડકપ 2026માં પાકિસ્તાન સામે રન ચેઝમાં ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે પણ શાનદાર સદી ફટકારી હતી. આ મેચમાં બ્રુકે 51 બોલમાં 100 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં બ્રુકે 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે 166 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો અને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. બ્રુકને તેની શાનદાર ઈનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.