
ICC રેન્કિંગમાં આ વખતે અનુભવી દિગ્ગજ ખેલાડીઓ સાથે સાથે યુવા ખેલાડીઓ પણ સૂરમાં સૂર પુરાવી રહ્યા છે. જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ સાથે અભિષેક શર્મા અને શુભમન ગિલ પણ પ્રથમ ક્રમ પર બિરાજમાન છે.

ભારતીય ખેલાડીઓ ICC રેન્કિંગમાં તેમનું પ્રભુત્વ જાળવી રાખવામાં સફળ થયા છે. આવું આટલી ચોક્કસતાથી એટલા માટે કહી શકાય છે કેમ કે ICC રેન્કિંગના દરેક ફોર્મેટના ટોપ 10 આંકડા પર નજર કરતા પ્રથમ સ્થાન પર ટીમ ઇન્ડિયાનો દબદબો દેખાય છે.

સૌ પ્રથમ ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના અનુભવી સ્ટાર ખેલાડી અને ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1ના સ્થાન પર બિરાજમાન છે. આ વખતે 889 રેટિંગ સાથે જસપ્રીત બુમરાહ નંબર 1 ટેસ્ટ બોલર બન્યા છે. ટોચના 10 ટેસ્ટ બોલરોમાં એકમાત્ર ભારતીય બોલર જસપ્રીત બુમરાહ છે.

T20 ફોર્મેટમાં તો જાણે ટીમ ઈન્ડિયા સામે કોઈ ટીમ બરાબરી તો ઠીક ટક્કરમાં પણ નથી કેમ કે, T20 ફોર્મેટમાં નંબર 1 બોલર અને નંબર 1 બેટ્સમેન હોવા ઉપરાંત પાછલા ઘણા સમયથી નંબર 1 ઓલરાઉન્ડર પણ ભારતીય છે. ભારતના સ્ટાર ઓલરાઉન્ડર, હાર્દિક પંડ્યા, 237 રેટિંગ સાથે નંબર 1 T20I ઓલરાઉન્ડર છે. ટોપ 10 માં અન્ય કોઈ પણ ભારતીય ઓલરાઉન્ડર આ લિસ્ટમાં નથી.

એશિયા કપમાં પહેલી મેચમાં ધમાકેદાર બેટિંગ કરનાર સ્ટાર યુવા ખેલાડી એવા અભિષેક શર્મા T20 ફોર્મેટમાં નંબર 1 બેટ્સમેન તરીકેનું સ્થાન ધરાવે છે. અભિષેક શર્માનું ICC રેટિંગ 884 છે. હજી એક વર્ષ પહેલા એટલે કે પાછલા વર્ષે જુલાઈમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યા પછી અભિષેક શર્મા સતત બેટથી કમાલ કરી રહ્યા છે.

ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના યુવા કપ્તાન એવા શુભમન ગિલનો વનડેમાં જોરદાર વટ છે એમ ચોક્કસથી કહી શકાય છે, કેમકે ટેસ્ટ ક્રિકેટમાં દમદાર પ્રદર્શન કરનાર આ યુવા ખેલાડી વનડેમાં જોરદાર શાનદાર પ્રદર્શન કરીને વનડે બેટિંગ રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યા છે. શુભમન ગિલનું રેટિંગ 784 છે.

ગરવા ગુજરાતી અને જેમની મેદાન પર સેલિબ્રેશનની તલવાર બાજી સ્ટાઈલ આખી દુનિયામાં પ્રખ્યાત છે એવા ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઈસીસી ટેસ્ટ ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર બિરાજમાન છે. જાડેજાનું રેટિંગ 405 છે. સૌથી ખાસ વાત એ છે કે જાડેજા એક લાંબા સમયથી ટેસ્ટમાં નંબર વન ઓલરાઉન્ડર છે. જાડેજા ટોચના 10 ટેસ્ટ ઓલરાઉન્ડરમાં એકમાત્ર ભારતીય ખેલાડી છે.

T20 ફોર્મેટમાં આ વખતે ટીમ ઇન્ડિયાના એક યુવા બોલરે કંકુ પગલાં કર્યા છે અને તેમના નામ મુજબ તેઓ મેદાનમાં ખરા અર્થમાં ચક્રવાત લાવી દે છે, આ સ્ટાર ખેલાડી એટલે વરુણ ચક્રવર્તી કે જેઓ T20 ફોર્મેટ બોલર્સ રેન્કિંગમાં ટોચ પર બિરાજમાન છે. વરુણ ચક્રવર્તીનું રેટિંગ 733 છે. ટોપ 10 T20 બોલર્સ રેન્કિંગમાં બે ભારતીય બોલર્સમાં વરુણ સિવાય રવિ બિશ્નોઈ પણ ટોપ 10 માં સામેલ છે.