
મહિલા પ્રીમિયર લીગ 2026 9 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. આ ટુર્નામેન્ટની અત્યાર સુધી ત્રણ સીઝન રમાઈ ચૂકી છે અને આ તેની ચોથી સીઝન હશે. WPL 2026ની પહેલી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે. આજે તમને જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટમાં કયા બેટ્સમેનએ સૌથી વધુ રન બનાવ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સની નેટ સાયવર બ્રન્ટ WPL ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવે છે.

નેટ સાયવર બ્રન્ટની વાત કરીએ તો તેણે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 29 મેચ રમી છે, જેમાં 29 ઈનિંગમાં 46.68 ની એવરેજથી 1,027 રન બનાવ્યા છે. તેણે આ ટુર્નામેન્ટમાં 8 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 80 રન છે. તે મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝનો મુખ્ય ભાગ છે. તે આ ટુર્નામેન્ટમાં 1,000 થી વધુ રન બનાવનાર એકમાત્ર બેટર છે.

WPL ઈતિહાસમાં RCBની એલિસ પેરી બીજા નંબરે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. પેરીએ અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 25 મેચ રમી છે, જેમાં 25 ઈનિંગમાં 64.82ની એવરેજથી 972 રન બનાવ્યા છે. બીજી સિઝનમાં RCB ની જીતમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. એલિસ પેરીએ ટુર્નામેન્ટમાં 8 અડધી સદી પણ ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર અણનમ 90 રન છે. પરંતુ તે આ સિઝનમાંથી ખસી ગઈ હોવાથી WPL 2026 માં રમતી જોવા મળશે નહીં.

દિલ્હી કેપિટલ્સની ભૂતપૂર્વ કેપ્ટન મેગ લેનિંગ આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 27 મેચ રમી છે, જેમાં 27 ઈનિંગમાં 39.66 ની એવરેજથી 952 રન બનાવ્યા છે. તેણે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 9 અડધી સદી ફટકારી છે. તે આગામી WPL સીઝનમાં UP વોરિયર્સ તરફથી રમશે. તેનો હાઈએસ્ટ સ્કોર 92 રન છે.

દિલ્હી કેપિટલ્સની શેફાલી વર્મા આ લિસ્ટમાં ચોથા નંબરે છે. તેણે WPLમાં અત્યાર સુધીમાં 27 મેચ રમી છે, જેમાં તેણે 36.04 ની એવરેજથી 865 રન બનાવ્યા છે. તેણે ટુર્નામેન્ટમાં 6 અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 84 છે. તે આ સિઝનમાં પણ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી જોવા મળશે.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર WPLમાં સૌથી વધુ રન બનાવનારી ખેલાડીઓમાં પાંચમા નંબરે છે. તેણે 27 મેચોમાં 26 ઈનિંગમાં 40.52ની એવરેજથી 851 રન બનાવ્યા છે. હરમનપ્રીતે WPLમાં 8 અડધી સદી પણ ફટકારી છે અને ગયા સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને ટાઈટલ જીતવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈની ટીમે 2 ટાઈટલ જીત્યા છે.