
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સવારે 11વાગ્યે બજેટ રજૂ કરશે. આ સાથે, તેઓ સતત નવ બજેટ રજૂ કરનાર પ્રથમ નાણામંત્રી બનશે. કાંજીવરમ સાડી પહેરી નિર્મલા સિતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણનો બજેટ સાથે સાડી લુક હંમેશા ચર્ચામાં રહે છે. મીડિયામાં કાંજીવરમ સાડી શું છે અને તેની શું વિશેષતા છે તેમજ તે કેવી રીતે બને છે તે જાણવા લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સર્ચ કરવા લાગ્યા છે. તમને જણાવીશું

કાંચીપુરમ સિલ્ક સાડી, જેને 'સાડીઓની રાણી' કહેવામાં આવે છે, તે તેની સુંદરતા, મજબૂતી અને ભવ્યતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સાડી કેવી રીતે બને છે અને તેની વિશેષતાઓ શું તે જાણીએ.

કાંચીપુરમ સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં રેશમના ત્રણ દોરાને ટ્વિસ્ટ કરીને એક મજબૂત દોરો બનાવવામાં આવે છે, જેના કારણે આ સાડી અન્ય સાડીઓ કરતા વધુ વજનદાર અને ટકાઉ હોય છે. આ સાડીઓ દક્ષિણ ભારતના ઉચ્ચ ગુણવત્તાવાળા 'મલબેરી સિલ્ક' (Mulberry Silk) માંથી બનાવવામાં આવે છે.

આમાં વપરાતી ઝરી અસલ ચાંદીના તાર પર સોનાનું પાણી ચઢાવીને બનાવવામાં આવે છે. કોરવાઈ પદ્ધતિ એક પરંપરાગત રીત છે જેમાં સાડીની બોડી (વચ્ચેનો ભાગ) અને બોર્ડર (કિનારી) અલગ-અલગ વણવામાં આવે છે અને પછી તેને ખૂબ જ મજબૂતીથી જોડવામાં આવે છે. જો સાડી ફાટી જાય તો પણ તેની બોર્ડર અલગ પડતી નથી!

કાંજીવરમ સાડીને 2005 - 06 માં GI ટેગ (ભૌગોલિક સંકેત ટેગ) મળ્યો. સાડી પર મંદિરના શિખરો, મોર, પોપટ, હાથી અને ફૂલ-વેલની સુંદર આકૃતિઓ વણવામાં આવે છે. કાંજીવરમ અથવા કાંચીપુરમ સાડીઓ તમિલનાડુના કાંચીપુરમ મંદિર નગરમાં વણકરોની કલા, સંસ્કૃતિ અને કારીગરીનું પ્રતિનિધિત્વ કરે છે.

એક અસલ કાંચીપુરમ સાડી બનાવતા વણકરને 10 થી 20 દિવસનો સમય લાગે છે, જ્યારે તેની ડિઝાઈન વધુ જટિલ હોય તો મહિનાઓ પણ લાગી શકે છે. કાંજીવરમ સાડીઓ માટે આ GI ટેગ માન્યતા ફક્ત ગર્વની વાત નથી; તે વણકર માટે જીવનરેખા અને નકલ સામે રક્ષણ છે.

મોટે ભાગે સાડીની બોડી અને તેની બોર્ડરના રંગો એકબીજાથી તદ્દન અલગ અને આકર્ષક હોય છે. આ સાડીની ચમક વર્ષો સુધી જળવાઈ રહે છે. જો તેની યોગ્ય જાળવણી કરવામાં આવે, તો તે પેઢીઓ સુધી ચાલે છે.