five preventive measures as cases of high-risk mucomycosis escalate
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ખુબજ ખતરનાક મ્યુકરમાઈકોસીસના કેસ વધતાં સરકાર એલર્ટ, બચવાના પાંચ ઉપાયો જારી કર્યા 

ખુબજ ખતરનાક મ્યુકરમાઈકોસીસના કેસ વધતાં સરકાર એલર્ટ, બચવાના પાંચ ઉપાયો જારી કર્યા 

 | 7:20 am IST
  • Share

કોરોના વાઇરસની બીજી લહેર ઘાતક સાબિત થઇ રહી છે. કોરોના વાઇરસના અલગ અલગ વેરિઅન્ટના ફેલાવા વચ્ચે હવે કોવિડથી સાજા થતા દર્દીઓમાં મ્યૂકરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસના કેસોએ ચિંતા વધારી છે. ગુજરાત અને દિલ્હીની કેટલીક હોસ્પિટલોમાં કોરોનામાંથી રિકવર થયેલા દર્દીઓમાં આ પ્રકારની તકલીફ જોવા મળી છે.

નીતિ આયોગના વી. કે. પોલે જણાવ્યું કે, કોરોનાના કારણે મ્યૂકરમાઈકોસીસના કેસ વધવા ગંભીર બાબત છે પણ હવે આ બીમારી ગંભીર રહી નથી. તેનું સમયસર નિદાન અને ઉપચાર થાય તો દર્દીને વધારે નુકસાન થતું નથી. ડોક્ટરોનું કહેવું છે કે આ ઇન્ફેક્શનને વધુ સમય માટે અવગણવું ઘાતક સાબિત થાય છે અને તેનાથી દર્દીનું મોત પણ થઇ શકે છે.

દિલ્હીની શ્રીગંગારામ હોસ્પિટલના ENT સર્જન ડો. મનીષ મુંજાલના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં ખતરનાક ફંગલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે તેનાથી કેટલાક લોકોના મોત થયા હતા, કેટલાકે દૃષ્ટિ ગુમાવી હતી તો અન્ય દર્દીઓમાં નાક અને જડબાનું હાડકું કાઢવું પડયું હતું.

હોસ્પિટલના ENT ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડો. અજય સ્વરૂપના કહેવા અનુસાર કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્ટીરોયડ અને દર્દીના ડાયાબિટીસના કારણે આ પ્રકારના કેસો વધ્યા હોય તેવું બની શકે. બ્લેક ફંગસ રિકવર થયેલા એવા કેસોમાં વધુ જોવા મળી જેમાં દર્દીઓને ડાયાબિટીસ, કિડની, હાર્ટ ફેલ્યોર કે કેન્સર જેવી અન્ય કોઇ બીમારી પણ હતી.

આ લક્ષણો દ્વારા બીમારી વિશે જાણી શકાય 

મ્યૂકરમાઈકોસીસનાં લક્ષણોની વાત કરીએ તો તેમાં ચહેરા પર સોજો આવે છે. એક તરફ નાક બંધ થઇ જાય છે કે આંખોમાં સોજો આવે છે અને દુખાવો થાય છે. આ સંક્રમણ નાક અને જડબાને પણ અસર કરે છે. ફેફ્સાંમાં મ્યૂકરમાઈકોસીસ થવાથી ઉધરસ, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. જો સ્કિન પર ઇન્ફેક્શન થાય તો ફેડલા થાય છે અથવા સ્કિન કાળી પડી જાય છે. સમયસર ડોક્ટરને બતાવવામાં આવે તો આનો ઇલાજ શક્ય છે. પરંતુ જો સંક્રમણ મગજ સુધી પહોંચી જાય તો મોત થવાની શક્યતાઓ પણ રહેલી છે.

આ રીતે મ્યૂકરમાઈકોસીસથી બચી શકાય છે 

  • કોરોના થયો હોય કે ન થયો હોય લોકોએ સુગર લેવલ મર્યાદા કરતા ઓછું રાખવા પ્રયાસ કરવો
  • કોરોનાની સારવાર દરમિયાન છઠ્ઠા દિવસ પછી સ્ટિરોઈડનો ઉપયોગ કરવો અને તે પણ જરૂર જણાય તો તથા ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં જ ઉપયોગ કરવો
  • કોરોનાનો દર્દી ઓક્સિજન ઉપર હોય તો તેના માસ્કમાં પાણીના ટીપા બાઝે તો તેને સાફ કરવા અને અન્ય પાણીનો ઝડપથી નિકાલ કરવો
  • કોરોનાના દર્દીઓએ શરીરની યોગ્ય સાફ સફાઈ જાતે થાય તો કરવી અથવા વોર્ડ બોય દ્વારા સફાઈ કરાવવી
  • મોઢામાં ક્યાંય પણ અલ્સર થાય કે ચાંદી પડે ત્યારે સામાન્ય સારવાર દ્વારા તેનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ.

ઝાયગોમાઈકોસિસના નામે પણ ઓળખાય છે બીમારી

મ્યૂકરમાઈકોસીસ એટલે કે બ્લેક ફંગસને પહેલા ઝાયગોમાઇકોસિસના નામે પણ ઓળખવામાં આવતી હતી. આ ફંગસ એવા લોકોને સહેલાઈથી થાય છે જેઓની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય છે. કોરોનાના કારણે ઘણા લોકોની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી ગઇ છે જેને લઇને આ ફંગસના કેસો પણ વધ્યા છે. આ બીમારી પહેલા પણ અસ્તિત્વ ધરાવતી હતી પરંતુ પહેલા તે કીમોથેરેપી, ડાયાબિટીસ, ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર લોકો અને વડીલોમાં વધુ જોવા મળતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન