Government Reduce Exsice Duty On Petrol-Diesel
  • Home
  • Business
  • દેશવાસીઓને સરકારની દિવાળી ભેટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

દેશવાસીઓને સરકારની દિવાળી ભેટ, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો

 | 8:11 pm IST
  • Share

  • કેન્દ્ર સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો
  • આવતીકાલથી નવા ભાવ લાગુ થશે
  • પેટ્રોલ 5 અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો

પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે મોંઘવારીથી ત્રસ્ત પ્રજા માટે દિવાળી પહેલા સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દીધી છે. જેના કારણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. આ નવો ભાવ આવતીકાલથી લાગૂ થઈ જશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી દેવાના કારણે પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો થઈ. આ નવા ભાવ આવતીકાલથી લાગૂ થઈ જશે.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ પર 5 અને ડીઝલ પર 10 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા સાથે જ રાજ્ય સરકારોને પણ અપીલ કરતાં પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવા કહ્યું છે. કેન્દ્ર સરકારના નિર્ણયના પગલે ભલે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો થયો હોય, પરંતુ આમ છતાં પેટ્રોલ-ડીઝલનો ભાવ 100 રૂપિયાની ઉપર જ રહેશે.

સરકારે ડીઝલની કિંમતોમાં 10 રૂપિયાની રાહત ખેડૂતોને ધ્યાનમાં રાખીને આપી હોવાનું અનુમાન છે. આગામી રવિની સિઝન માટે ખેડૂતોને તેનાથી રાહત મળશે.

આર્થિક બાબતોના નિષ્ણાંતોનું કહેવું છે કે, પેટ્રોલ-ડીઝલની રેકોર્ડ બ્રેક કિંમતોની અર્થ વ્યવસ્થા પર વિપરિત અસર પડવી સ્વાભાવિક હતી. તહેવારો પહેલા ખાણી-પીણી તેમજ શાકભાજી ખૂબ જ મોંઘા થઈ ગયા છે. તાજેતરમાં વિધાનસભા પેટાચૂટંણીમાં કેટલાક રાજ્યોમાં ભાજપના નિરાશાજનક પ્રદર્શનને પણ મોંઘવારી સાથે જોડીને જોઈ શકાય છે.

જો કે હજુ પણ વિશ્વભરમાં ક્રૂડ ઑઈલની કિંમતોમાં વધારો યથાવત રહ્યો છે પેટ્રોલિયમ કંપનીઓ આ હિસાબે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો કરી રહી છે. ઑક્ટોબર મહિનામાં તો લગભગ દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતો વધી છે. જો આ વર્ષની વાત કરીએ તો, પેટ્રોલ 25 અને ડીઝલમાં લગભગ 20 રૂપિયા પ્રતિ લીટર સુધી મોંઘુ થઈ ગયું છે. જ્યારે રાજસ્થાનના ગંગાનગર સહિત કેટલાક ભાગોમાં પેટ્રોલ 121 રૂપિયા પ્રતિલીટર સુધી પહોંચી ગયુ હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો