Government's Unique Initiative Towards Social Security
  • Home
  • Columnist
  • સામાજિક સુરક્ષાની દિશામાં સરકારની અનોખી પહેલ

સામાજિક સુરક્ષાની દિશામાં સરકારની અનોખી પહેલ

 | 6:10 am IST
  • Share

  • બિનસંગઠિત કામદારોનો ડેટાબેઝ 

  • દેશમાં 90 ટકા કામદારો બિનસંગઠિત ક્ષેત્રના છે

ગયા વર્ષે આખા દેશમાં કોરોનાના કારણે લાદવામાં આવેલા લૉકડાઉન વખતે  માઇગ્રન્ટ કામદારોની સમસ્યાથી દેશમાં સામાજિક સુરક્ષાના માળખામાં રહેલી મોટી ખામી પ્રકાશમાં આવી હતી. બિનસંગઠિત ક્ષેત્રના કામદારો વર્ષોથી સરકારી લાભોથી વંચિત રહ્યા હતા. કેન્દ્રમાં ભાજપની સરકાર સત્તામાં આવી તે પછી તેમને હાલાકીમાંથી ઉગારવા માટે શ્રેણીબદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે.

સરકાર દ્વારા બિનસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટા બેઝ ઊભો કરવામાં આવી રહ્યો છે. જે તેમને સામાજિક સુરક્ષા આપવાની દિશામાં અનોખી પહેલ છે. દેશમાં અત્યાર સુધી જ્યારે જ્યારે ગંભીર આર્થિક કટોકટી સર્જાઈ ત્યારે કામદારોનો આ સમુદાય પોલિસી સપોર્ટથી વંચિત રહેતો આવ્યો છે.

દેશમાં 90 ટકા કામદારો બિનસંગઠિત ક્ષેત્રના છે તેઓ સરકારી લાભોથી તેમજ કલ્યાણ યોજનાના લાભો મેળવી શક્યા જ નથી. તેમનાં ડેટા બેઝ વિના તેમને સરકારી લાભો આપવાની યોગ્ય યોજનાઓ ઘડી શકાઈ નથી કે જરૂરિયાતના સમયે તેમને સરકારી મદદ આપી શકાઈ નથી.

સરકાર દ્વારા આ ખામી દૂર કરવા હવે ‘ઈ-શ્રમ’ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બિનસંગઠિત કામદારોનો ડેટા બેઝ એકઠો કરવામાં આવી રહ્યો છે. ઘણા લાંબા સમય પછી લેવાયેલું આ આવકાર્ય પગલું છે. સરકાર ઈ-શ્રમ પોર્ટલ દ્વારા 38 કરોડ કામદારોનો ડેટા બેઝ એકઠો કરવા માગે છે. જેમાં 20 ટકા કામદારોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. 

ઓડિશાનાં 87 ટકા બિનસંગઠિત કામદારોનું તેમાં રજિસ્ટ્રેશન કરાયું છે. આ પછી પિૃમ બંગાળ, છત્તીસગઢ, ઝારખંડ તેમજ બિહારનો ક્રમ આવે છે. ડેટાબેઝ પૈકી 40.5 ટકા બિનસંગઠિત કામદારો OBC કેટેગરીનાં છે, 27.4 ટકા જનરલ કેટેગરીના છે, 23.7 ટકા શિડયૂલ કાસ્ટના છે જ્યારે 8.3 ટકા શિડયૂલ ટ્રાઇબ્સના છે. બિનસંગઠિત કામદારો પૈકી 53.6 ટકા કૃષિ ક્ષેત્રમાં છે જ્યારે 12.2 ટકા કન્સ્ટ્રક્શન સેક્ટરમાં છે. 8.71 ટકા ડોમેસ્ટિક અને હાઉસહોલ્ડ કામદારો છે.

કામદારોના ઉત્કર્ષ માટે આ ડેટા બેઝને લેબર મેચિંગ પ્લેટફોર્મ ઉન્નતિ સાથે જોડવામાં આવ્યો છે. આ બધી કામદારોના કલ્યાણ માટે સારી નિશાની છે. મહત્ત્વની વાત એ છે કે, બિનસંગઠિત કામદારોનો ડેટા બેઝ ઊભો કરવાથી સરકારની જવાબદારી પૂરી થઈ જતી નથી. અત્યાર સુધી તેઓ શા માટે સરકારી લાભોથી વંચિત રહ્યા તેના કારણો શોધવાની જરૂર છે.

તેઓ એક શહેર કે રાજ્યમાંથી માઇગ્રેટ થઈને બીજા શહેર કે રાજ્યમાં જાય તો પણ અગાઉ તેમના આપવામાં આવતા લાભ મળવાનું ચાલુ રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની છે. તેમનાં પરિવારને મુશ્કેલીઓથી બચાવવાનો છે. તેમનાં બાળકોને યોગ્ય શિક્ષણ મળે, પુખ્તવયના થાય પછી સારી નોકરી મળે તે માટે પણ વ્યવસ્થા ગોઠવવાની છે. ટૂંકમાં સામાજિક સુરક્ષાના તમામ લાભ મળે તેવી વ્યવસ્થા ગોઠવાય તો જ સરકારની આ બધી કવાયત સાર્થક થાય તેમ છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો