Gujarat Congress Chief Name Final in CWC Meet
  • Home
  • Featured
  • આજે દિલ્હીમાં CWCની બેઠક, શું ગુજરાત કોંગ્રેસને મળશે નવા સુકાની?

આજે દિલ્હીમાં CWCની બેઠક, શું ગુજરાત કોંગ્રેસને મળશે નવા સુકાની?

 | 5:00 pm IST
  • Share

  • ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનેલા ડૉ શર્માં CWC બેઠકમાં સામેલ
  • ડૉ રઘુ શર્મા પાર્ટી હાઈકમાન્ડ સાથે કરશે ચર્ચા
  • CWCમાં આગામી વિધાનસભા ચૂંટણીઓ પર ચર્ચા સંભવ

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓએ પોતાની રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે. ભાજપ દ્વારા જનઆશીર્વાદ યાત્રા નીકાળીને મતદારોના મનને કળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ તાજેતરમાં જ ગુજરાતના પ્રભારીની નિમણૂંક કરવામાં આવી છે. જે બાદ હવે ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાઓની નિમણૂંકને લઈને અનેક અટકળો થઈ રહી છે. એવામાં આજે મળનારી કોંગ્રેસની કાર્યસમિતિની બેઠકમાં આ અંગે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતાના નામોની જાહેરાત કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બાદ કરવામાં આવી શકે છે. તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી બનેલા ડૉ રઘુ શર્મા પ્રથમ વખત CWCની બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની મંજૂરી મળ્યા બાદ ડૉ રઘુ શર્મા નવા અધ્યક્ષ અને વિપક્ષ નેતાના નામોની જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમા પરાજય બાદ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ હતુ. આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવનું પણ કોરોનાના કારણે અવસાન થઈ જતાં ગુજરાત કોંગ્રેસના નવા સુકાની કોણ બનશે? તેને લઈને અટકળો થતી રહી છે.

થોડા દિવસો પહેલા જ નવા પ્રભારીએ પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે મુલાકાત કરીને આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચર્ચા કરી હતા. આ સાથે જ નેતૃત્વમાં પરિવર્તન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આગામી વિધાનસભા ચતૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ સમક્ષ જાતિગત સમીકરણો બેસાડવા સૌથી મોટો પડકાર છે. કોંગ્રેસ OBC, દલિત અને આદિવાસી ઉપરાંત લઘુમતીની સાથે પાટીદાર સમાજના મતદારોને પણ પોતાની તરફેણમાં કરવાની કોશિશ કરશે. આ માટે પાર્ટીએ પાટીદાર નેતાને કોઈ મોટું પદ આપવું પડશે.

આદિવાસી નેતા તરીકે કોંગ્રેસની પાસે સાંસદ નારણ રાઠવા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, પૂજા વંશ જેવા મોટા નેતાઓ છે. જ્યારે પાટીદાર નેતા તરીકે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિદ્ધાર્થ પટેલ તેમજ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ઉપરાંત ધારાસભ્ય વીરજી ઠુમ્મર, લલિત વસોયા, લલિત કગથરા જેવા અનેક નેતાઓ રેસમાં છે.

બ્રાહ્મણ નેતાઓ તરીકે કોંગ્રેસ પાસે નરેશ રાવલ, નિશિત વ્યાસ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી છે. જ્યારે દલિત નેતા તરીકે દંડક શૈલેશ પરમાર અને જિગ્નેશ મેવાણીનું નામ પણ લઈ શકાય. જ્યારે લઘુમતી નેતાઓ તરીકે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાલા અને જાવિદ પીરઝાજનું નામ ચર્ચામાં છે. આજ રીતે OBC નેતા તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, જામનગરના ધારાસભ્ય વિક્રમ માડમ અને રાજ્યના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા જેવા નેતાઓનું નામ સૌથી આગળ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો