Gujarat Government New SoP over Night Curfew in cities
  • Home
  • Gujarat
  • ગુજરાતના 8 મહાનગરોમાં કરફ્યૂ યથાવત, નવી SOP જાહેર

ગુજરાતના 8 મહાનગરોમાં કરફ્યૂ યથાવત, નવી SOP જાહેર

 | 7:07 pm IST
  • Share

ગુજરાતમાં દિવાળી બાદ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ આમ છતાં સંક્રમણ કાબૂમાં છે. એવામાં રાત્રિ કરફ્યૂને લઈને રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

હાલમાં પ્રવર્તી રહેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂની અવધિ વધુ 10 દિવસ એટલે કે આગામી 10 ડિસેમ્બર સુધી લંબાવી છે. જો કે કરફ્યૂની મુદ્દત રાત્રિના 12 વાગ્યાના બદલે 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અમલી રહેશે. આ દરમિયાન દુકાનો, રેસ્ટોરન્ટ, સિનેમા, જીમ, સ્પા, બાગ બગીચા સહિતના માટેની તમામ છૂટછાટો યથાવત રાખી છે. 

હકીકતમાં આજે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા રાત્રિ કરફ્યૂની મુદ્દત પૂર્ણ થઈ રહી છે. આથી સરકારે નવી SOP જાહેર કરીને છે. જેમાં જણાવ્યા મુજબ, ગુજરાતના 8 મહાનગરોમાં રાત્રે 1 થી 5 વાગ્યા સુધીનો કરફ્યૂ યથાવત રાખવામાં આવ્યો છે.

જ્યારે મહાનગર પાલિકા ક્ષેત્રમાં રાત્રિના 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રાખી શકાશે. હાલ લગ્નગાળો પણ ચાલી રહ્યો હોઈ સરકારે લગ્ન માટે પણ કેટલીક છૂટ આપી છે. જેમાં લગ્નમાં વધુમાં વધુ 400 વ્યક્તિઓને છૂટ આપવામાં આવશે. આટલું જ નહીં, લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ અમલી કરવામાં આવી છે.

અગાઉ ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ રાજીવ ગુપ્તા વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રાત્રિ કરફ્યૂ સહિતના નિયમોમાં છૂટ આપવી કે કેમ? તેના મુદ્દે ચર્ચા થઈ હતી. જો કે હાલમાં વિશ્વભરમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિએન્ટના ખૌફને ધ્યાનમાં રાખીને સરકારે રાત્રિ કરફ્યૂ યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

નવી SOP મુજબ તમામ દુકાનો, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લા,બ્યુટી પાર્લર સહિત વાણિજ્યિક સંસ્થાઓ રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

જાહેરબાગ બગીચા રાત્રે 10 વાગ્યા સુધી કોરોનાની ગાઇડલાઇન મુજબ ખુલ્લા રાખવામાં આવશે. જ્યારે સિનેમા હોલ 100 ટકાની ક્ષમતા તેમજ જીમ 75 ટકાની ક્ષમતા સાથે ખુલ્લા રાખી શકાશે. રેસ્ટોરન્ટ 75 ટકાની ક્ષમતા સાથે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે.

આ સિવાય તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે 400 લોકોની મર્યાદામાં પરંતુ બંધ સ્થળોએ , જગ્યાની ક્ષમતાના 50 % વ્યક્તિઓ એકત્ર થઈ શકશે.

લગ્ન માટે 400 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. જો કે આ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે.

પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન એ.સી. બસ સેવાઓ 100% ક્ષમતા સાથે, જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.  સ્પા સેન્ટરો નિયત કોરોના ગાઇડલાઇનના ચુસ્તપણે પાલન સાથે સવારના 9.00 થી રાત્રિના 9.00 કલાક સુધી ચાલુ રાખી શકાશે.

જણાવી દઈએ કે, આગામી 13 ડિસેમ્બરથી કમુરતા શરૂ થવા જઈ રહ્યાં છે. આથી લગ્ન સહિતના સમાજિક અને ધાર્મિક પ્રસંગોમાં છૂટ માટે માંગણી કરવામાં આવી હતી. આ સિવાય જાન્યુઆરી-2022માં યોજાનારા વાઇબ્રન્ટ સમિટ માટે પ્રિ-સમિટના કાર્યક્રમો હાલ શરૂ થઈ ચૂક્યાં છે. જેના કારણે પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો