Gujarat In meteorological department has forecast heavy rains in Gujarat from tomorrow
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આવતીકાલથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી, અહીં પડશે આફતનો વરસાદ

આવતીકાલથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી, અહીં પડશે આફતનો વરસાદ

 | 1:38 pm IST
  • Share

ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ ધોધમારની વરસાદની આગાહી કરાઈ છે. જેમાં મધ્ય ગુજરાતમાં આફતનો વરસાદ થવાની આગાહી કરાઈ છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થવાની આગાહી છે. સૌરાષ્ટ્ર–કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. 23 જુલાઈએ દરિયામાં એક લૉ – પ્રેશર સર્જાશે. જેના કારણે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં હાલ નદી, ડેમ, ચેકડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 67 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 5 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે ડાંગ અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે 11 રસ્તા બંધ થયા હોવાના પણ અહેવાલ છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ગુજરાતભરમાં વરસાદની આગાહીને લઈ NDRFની ટીમો તાબડતોડ તૈનાત કરાઇ છે. હવામાન વિભાગની આગાહીના પગલે NDRFની ટીમો એલર્ટ પણ મુકવામાં આવી છે. રાજ્યમાં અલગ અલગ 8 જિલ્લામાં 8 ટીમો તૈનાત કરાઈ છે, જેમાં વલસાડ, નવસારી, સુરતમાં 1-1 ટીમ રહેશે. રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢમાં પણ ટીમ તૈનાત રહેશે. મોરબી અને કચ્છમાં NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે આગામી સ્થિતિ આધારે અન્ય ટીમો મોકલવામાં આવશે.

વલસાડ, નવસારી, ડાંગ, દમણમાં 4 દિવસ ધોધમાર વરસાદની આગાહી

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ આગામી પાંચ દિવસ દરમિયાન વલસાડ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી તેમજ સુરત, તાપી, વડોદરા, ભરૃચ, ખેડા, આણંદ તથા કચ્છમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, અમદાવાદ શહેરમાં સતત ચાર દિવસથી વાદળો ઘેરાયા છે, પણ વરસાદ હાથતાળી આપી રહ્યો છે. શહેરમાં ક્યાંક ક્યાંક ઝરમર છાંટા પડી રહ્યાં છે. આગાહી મુજબ, ગુરૃવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. શુક્રવારના રોજ નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભાર તેમજ દાહોદ, સુરત અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

દક્ષિણ ગુજરાતના સુરત અને નવસારી, તાપી જિલ્લાને બાદ કરતાં વલસાડ અને તાપીમાં પાંચમા દિવસે પણ મેઘરાજાએ બેટિંગ ચાલુ રાખી છે. બુધવારે વલસાડના કપરાડામાં 4.48 ઈંચ, ધરમપુરમાં 1.84 ઈંચ જ્યારે તાપી જિલ્લાના ડોલવણમાં 2.52 ઈંચ, વ્યારામાં 1.52 ઈંચ અને સોનગઢ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત અને નવસારીમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરઝર વરસાદ પડયો હતો. આ ઉપરાંત ડાંગના વઘઇના કોઝવે પરથી પસાર થતો બાઇકચાલક પાણીના પ્રવાહમાં તણાઇ જતાં મોત નીપજ્યું હતું.

બુધવારે વલસાડના કપરાડા 4.48 ઈંચ, ધરમપુર 1.84 ઈંચ, પારડી 1.12 ઈંચ, વાપી 1.12 ઈંચ, ઉમરગામ 1.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તાપી જિલ્લા ડોલવણમાં 2.52 ઈંચ, વ્યારામાં 1.52 ઈંચ, વાલોડ 1.16 ઈંચ, સોનગઢ 1.08 ઈંચ, નિઝર 0.64 ઈંચ જ્યારે ઉચ્છલમાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. ડાંગ જિલ્લાના સાપુતારા, વઘઇ અને આહવામાં વરસાદ યથાવત્ રહ્યો હતો. બુધવારે પણ વઘઇથી પસાર થતી અંબિકા નદી પરના કોઝવે પાણીમાં ગરક રહ્યો હતો. આ કોઝવે પરથી પસાર થતો રાજકોટનો વતની બાઇક સાથે તણાઇ ગયો હતો. ધસમસતા પાણીમાં તણાઇ જતાં યુવકનું મોત નીપજ્યું હતું.

બીજી તરફ સુરતમાં પણ આખો દિવસ ઝરઝર વરસાદ જોવા મળ્યો હતો. જોકે, વરસાદી માહોલને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ અને નવસારીમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે જ્યારે સુરતના છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે.

હથનુરમાંથી 5844 ક્યુસેક પાણી છોડાયું

હથનુર ડેમના કેચમેન્ટ એરિયામાં સરેરાશ 5.8 મી.મી. વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે હથનુરમાં પાણીની આવક થઇ છે. ડેમમાં પાણીની સપાટી 208.970 મીટર નોંધાઇ છે. ડેમમાં પાણી ઠલવાતા તંત્રએ 04 દરવાજા સંપૂર્ણ ખોલી 5844 ક્યુસેક પાણી છોડવાનો આરંભ કર્યો છે. હથનુરમાંથી છોડવામાં આવેલું પાણી 30થી 35 કલાકમાં ઉકાઇ ડેમમાં ઠલવાશે.

ઉકાઇ ડેમમાં પાણીની આવક ઘટી, સપાટી 314.44 ફૂટ

ઉકાઇના ઉપરવાસમાં વરસાદનું જોર ઘટતાં પાણીની આવક ઘટી જવા પામી છે. બુધવારે સાંજે ડેમમાં પાણીની આવક-જાવક 660 ક્યુસેક નોંધાઇ હતી. ત્યારે ડેમમાં પાણીની સપાટી 314.44 ફૂટ નોંધાઇ હતી. બીજી તરફ હથનુરમાંથી પાણી છોડાતા ગુરુવારે સવાર સુધીમાં ડેમમાં પાણીની આવક વધશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો