Gujarat In Partial lockdown implemented in 29 cities of Gujarat from today
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Corona
 • ગુજરાતમાં કયા 29 શહેરોમાં આજથી દિવસે પણ આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ, જાણી લો શું ચાલુ રહેશે અને રાખી શકાશે?

ગુજરાતમાં કયા 29 શહેરોમાં આજથી દિવસે પણ આવશ્યક સેવાઓ સિવાય બધુ જ બંધ, જાણી લો શું ચાલુ રહેશે અને રાખી શકાશે?

 | 9:30 am IST
 • Share

ગુજરાતમાં વકરતા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે અત્યાર સુધી ના… ના… કહ્યા કરતી રાજ્ય સરકારને આખરે આંશિક લોકડાઉનનો સહારો લેવો પડયો છે. અત્યારે રાજ્યના 8 મહાનગરોમાં અને બીજા 12 શહેરોમાં રાત્રિ કરફ્યૂ અમલમાં છે, એમાં વધુ 9 શહેરો ઉમેરી કુલ 29 શહેરોમાં બુધવારથી પાંચમી મે સુધી અને રાત્રે 8થી સવારના 6 સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે.

આ તમામ 29 શહેરોમાં દિવસ દરમિયાન આવશ્યક સેવાઓ અને આવશ્યક ચીજવસ્તુઓ વેચતી દુકાનો સિવાય તમામ આર્થિક વ્યાપારી પ્રવૃત્તિઓ કરતી દુકાનો, વાણિજ્યિક સંસ્થાઓ, લારી-ગલ્લાં શોપિંગ મોલ્સ-શોપિંગ કોમ્પલેક્સિસ, થિયેટર-ઓડિટોરિયમ, વોટર પાર્ક, બાગ-બગીચા, સ્પા-સલૂન-બ્યૂટી પાર્લર, સ્વિમિંગ પુલ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ્સ (ટેક-અવે સિવાય) બંધ કરવામાં આવશે. આ આંશિક લોકડાઉન અંગે રાજ્યના ગૃહ વિભાગે જાહેરનામા બહાર પાડયા છે, સાથો સાથ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ મંગળવારે સાંજે સોશિયલ મીડિયા દ્વારા એની જાહેરાત કરી હતી.

જોકે તમામ બેન્કો, સરકારી-અર્ધ સરકારી કચેરીઓ, તમામ પ્રકારની ખાનગી કંપનીઓ ઓફિસીસ, ઇન્સ્યોરન્સ કંપનીઓની ઓફિસીસ 50 ટકા સ્ટાફની હાજરીથી ચાલુ રાખવા દેવાશે. તદુપરાંત ઔદ્યોગિક એકમો, બાંધકામ પ્રવૃત્તિઓ પણ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. આરોગ્ય, ફાયર, વીજળી, ગેસ સહિતની તમામ આવશ્યક સેવાઓ રૂટિન પ્રમાણે ચાલુ જ રહેશે, એવી જ રીતે અનાજ-કરિયાણાની દુકાનો, બેકરી, અનાજ-મસાલા દળવાની ઘંટીઓ, દૂધ-શાકભાજી-ફળફળાદિની દુકાનો, શાકભાજી-ફળ બજારો, ઘરગથ્થું ટિફિન સર્વિસ તથા ટેક-અવે, પેટ્રોલ પંપ વગેરે બેરોકટોક રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

પબ્લિક બસ સેવા પણ ચાલુ જ રહેશે. અલબત્ત તમામ ધાર્મિક સ્થાનો બંધ રાખવા પડશે, જ્યાં દૈનિક પૂજા-ઇબાદત થતી હોય ત્યાં એકાદ માણસની હાજરીથી થઈ શકશે. મુખ્ય મંત્રી રૂપાણીએ મંગળવારે સવારે ઉચ્ચ કક્ષાની બેઠક યોજી આ બધા નિર્ણયો લીધા હતા. આ બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મુકિમ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવી વગેરે સામેલ થયા હતા.

આ શહેરોમાં રાત્રિ કરફ્યૂ અને આંશિક લોકડાઉન । અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, જામનગર, ભાવનગર અને ગાંધીનગર એમ 8 મહાનગરો ઉપરાંત ૧૨ શહેરો- આણંદ, નડિયાદ, મહેસાણા, મોરબી, પાટણ, ગોધરા, દાહોદ, ભૂજ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, ભરૂચ અને અમરેલી-એમ કુલ 20 શહેરોમાં અત્યાર સુધી રાત્રિ કરફ્યૂ હતો, હવે આમાં વધુ 9 શહેરો- હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટા ઉદેપુર અને વેરાવળ-સોમનાથ ઉમેરાયા છે. આ કુલ 29 શહેરોમાં રાત્રિ કરફ્યૂ સાથે દિવસ દરમિયાન આંશિક લોકડાઉન પણ લદાયું છે.

આ બાબતો પ્રતિબંધિત-અંકુશિત કરાઈ

 • તમામ આર્થિક, વ્યાપારી પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, લારી-ગલ્લાં, શોપિંગ મોલ્સ-કોમ્પલેક્સિસ, ગુજરી-હાટ બજારો, શૈક્ષણિક-કોચિંગ સંસ્થાઓ, થિયેટરો-ઓડિટોરિયમ-હોલ્સ, વોટર પાર્ક, જાહેર બગીચા, મનોરંજક સ્થળો, સ્પા-સલૂન-બ્યૂટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ્સ વગેરે ખોલવા ઉપર પ્રતિબંધ.
 • રેસ્ટોરન્ટ ખોલી નહીં શકાય, યાને ત્યાં બેસીને જમવા ઉપર પ્રતિબંધ પણ ટેક-અવે સર્વિસને છૂટ.
 • તમામ માર્કેટ યાર્ડ-APMC બંધ રહેશે, પણ શાકભાજી-ફળોના વેચાણ ચાલુ રખાશે.
 • લગ્ન માટે ‘ડિજિટલ ગુજરાત પોર્ટલ’ ઉપર નોંધણી બાદ બંધ હોલ કે ખુલ્લામાં વધુમાં વધુ 50 માણસોની હાજરીને છૂટ અપાશે. એવી જ રીતે અંતિમક્રિયા કે દફનવિધિમાં વધુમાં વધુ 20 માણસને છૂટ અપાશે.
 • પ્રેક્ષકોની હાજરી વગર સ્ટેડિયમ-સ્પોર્ટ્સ સંકુલોમાં રમતો રમી શકાશે.
 • સમગ્ર રાજ્યમાં રાજકીય, સામાજિક-ધાર્મિક, સાંસ્કૃતિક મેળા-મેળાવડાં-કાર્યક્રમો યોજના ઉપર પ્રતિબંધ યથાવત્.
 • તમામ ધાર્મિક સ્થાનો બંધ રહેશે

શું શું ચાલુ રહેશે- રાખી શકાશે

 • અનાજ-કરિયાણા-બેકરી-શાકભાજી-ફળોની દુકાનો-ડેરી-દૂધની દુકાનો, ઘંટી, દવાની દુકાનો ચાલુ
 • ટેક અવે તથા ટિફિન સેવા ચાલુ
 • તમામ આવશ્યક સેવાઓ ચાલુ
 • પેટ્રોલ પંપ-પોસ્ટ કુરિયર સેવા-ખાનગી સિક્યોરિટી સેવા, કૃષિ સંલગ્ન દુકાનો ચાલુ રહેશે.
 • તમામ ખાનગી કંપનીઓની કચેરીઓ, બેન્કો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તેમજ સરકારી-અર્ધસરકારી કચેરીઓ 50 ટકા સ્ટાફથી ચાલુ રહેશે.
 • તમામ ઔદ્યોગિક એકમો, રો-મટિરિયલ્સ પૂરાં પાડતા એકમો તથા કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ રાબેતા મુજબ ચાલુ રાખી શકાશે.
 • એસટી, જાહેર બસો રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

કોરોનાની ચેઈન તોડવા 15 દિવસનું લોકડાઉન અત્યંત જરૂરી

કોરોનાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાની ચેઈન તોડવા માટે ઓછામાં ઓછું 15 દિવસનું લોકડાઉન ખૂબ જરૂરી છે, તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું છે, તેમનું કહેવું છે કે, કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે સરકાર નવા બેડની ફેસિલિટી ઊભી કરી રહી છે, પરંતુ નવા એક્સપર્ટ ક્યાંથી લાવશે તે એક મોટો સવાલ છે. કોઈ પણ સંજોગોમાં કોરોનાની ચેઈન તોડવી જરૂરી છે, આ ઉપરાંત ઝડપી મફત વેક્સિનેશન કરવું પડશે. કોરોનાએ નવું સ્વરૂપ ધારણ કર્યું છે તે ખૂબ ઘાતકી છે. રસીકરણ ઓછું થશે તો પણ નુકસાન જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન