Gujarat Tourist Places buzzing-over Diwali Vacation
  • Home
  • Ahmedabad
  • દિવાળી વેકેશનની મોજ, ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો હાઉસફૂલ

દિવાળી વેકેશનની મોજ, ગુજરાતના તમામ પ્રવાસન સ્થળો હાઉસફૂલ

 | 4:04 pm IST
  • Share

  • સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક ભીડ
  • યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર
  • બહુચરાજીમાં દર્શન કરવા મામલે ભક્તો વચ્ચે ઝપાઝપી

ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધરવા અને વૅક્સિનેશન અભિયાને વેગ પકડ્યા બાદ રાજ્ય સરકારે દિવાળીના તહેવારોમાં છૂટ આપી છે. જેના પગલે દિવાળી, નવા વર્ષ અને શનિ-રવિની રજાના દિવસોમાં લોકો મિની વેકેશનની મોજ માણવા ઉપડી ગયા છે. હાલ રાજ્યના મોટાભાગના પ્રવાસન સ્થળો હાઉસફૂલ જોવા મળી રહ્યાં છે.

રાજ્યના દ્વારકા, સોમનાથ, અંબાજી, ગીર, સાપુતારા અને કચ્છ રણોત્સવમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. જેના કારણે આસપાસની હોટલો હાઉસફૂલ થઈ ગઈ છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં રેકોર્ડ બ્રેક ભીડ
જો સ્ટેચ્યૂ ઑફ યુનિટીની વાત કરીએ તો, અહીં નર્મદા જિલ્લામાં 2 દિવસમાં જ 1 લાખ જેટલા પ્રવાસીઓ ઉમટી પડ્યાં છે. દિવાળીની રજાઓ માણવા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રેકોર્ડ બ્રેક પ્રવાસીઓની ભીડ ઉમટી છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં એક દિવસમાં 35 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા છે. SOU પર પ્રવાસીઓની ભીડ થતાં ખાનગી બસો મૂકવાની ફરજ પડી છે. આ સિવાય તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો છે.

યાત્રાધામ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર
દિવાળીની રજાઓના પગલે પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં માંઈ ભક્તો દર્શન કરવા પહોંચી રહ્યાં છે. જેના પગલે તળેટીથી લઈને નિજ મંદિર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માંઈ ભક્તોના ધસારાને જોતા મંદિર વહીવટી તંત્ર દ્વારા દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પાવાગઢ ખાતે ગુજરતા સહિત આસપાસના રાજ્યોના દર્શનાર્થીઓના ધસારાને જોતા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ ખાતે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

બહુચરાજીમાં દર્શન કરવા લાઈનમાં ઉભા રહેલા ભક્તો વચ્ચે ઝપાઝપી
મહેસાણા જિલ્લાના શક્તિપીઠ બહુચરાજીમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જો કે ભક્તોની ભીડને પહોંચી વળવામાં મંદિર વહીવટી તંત્ર નિષ્ફળ નિવડ્યું હોય એમ જણાય છે.

બહુચરાજી મંદિરની અવ્યવસ્થાના કારણે દર્શન કરવા લાઈનમાં ઉભા રહેલા ભક્તો વચ્ચે ઝપાઝપી તઈ હતી. માતાજીના દર્શન માટે માત્ર એક જ ગેટથી પ્રવેશ અપાતો હોવાના કારણે અવ્યવસ્થા ઉભી થઈ હતી. બીજી તરફ કોરોડોના ખર્ચે બનાવેલો “દર્શન પથ” શોભાનો ગાંઠિયો બન્યો હતો. જો આ દર્શન પથ શરૂ કરવામાં આવત, તો આટલી અવ્યવસ્થા ટાળી શકાઈ હોત.

કાંકરિયાની આવકમાં વધારો
દિવાળી વેકેશન દરમિયાન અમદાવાદના કાંકરિયામાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થય છે. 5 નવેમ્બરે કાંકરિયા લેકફ્રન્ટ ખાતે 53 હજાર મુલાકાતીઓ નોંધાયા હતા. જ્યારે 25 હજાર લોકે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો