- 40 લોકો મુસાફરી કરી શકશેઃ શ્રાવણ, પર્યુષણ પર્વ બાદ નવરાત્રિમાં ધાર્મિક પ્રવાસ
- તા. 15 ઓક્ટોબરથી તા.24 ઓક્ટોબર સુધી અમલઃ બસ દીઠ રૂ. 2,400 ભાડું
- AMTS દ્વારા આયોજિત આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો રહેશે
AMTS દ્વારા શ્રાવણ અને પર્યુષણના તહેવાર બાદ નવરાત્રિ દરમિયાન અમદાવાદના મુખ્ય મંદિરોનાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના તા. 15 ઓક્ટોબરથી તા.24 ઓક્ટોબર સુધી શરૂ કરાશે. જેમાં બસ દીઠ રૂ. 2,400 નક્કી કરાયા છે અને 40 લોકો મુસાફરી કરી શકશે. આ ધાર્મિક બસ પ્રવાસમાં શહેરનાં અલગ અલગ કુલ 14 જેટલાં મંદિરોમાં દર્શન કરાવવામાં આવશે. જો નાગરિકો 14 સિવાયનાં બીજાં સ્થળો કે માતાજી મંદિરે જવા ઈચ્છતા હશે તો ત્યાં પણ લઈ જવામાં આવશે. AMTS દ્વારા આયોજિત આ બસ પ્રવાસનો સમય 8 કલાકનો રહેશે. સવારે 8:15 થી સાંજે 4.45 સુધીમાં શહેરનાં વિવિધ 14 જેટલાં મંદિરોમાં મુસાફ્રો દર્શન કરી શકશે. એક બસમાં વધુમાં વધુ 30 સિટિંગ અને 10 ઊભા અથવા 28 સિટિંગ અને 12 ઊભા સહિત કુલ 40 જેટલા પેસેન્જર જઈ શકશે. મુખ્ય ચાર બસ ટર્મિનસ પર એડવાન્સ રકમ ભરાવીને બુકિંગ કરાવી શકશે.
AMTS કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, શ્રાવણ મહિનામાં વિવિધ મંદિરો તેમજ પર્યુષણ પર્વ દરમિયાન પણ વિવિધ જૈન મંદિરોમાં દર્શન માટે ધાર્મિક બસ પ્રવાસ યોજના અમલમાં મૂકાઈ હતી. નવરાત્રિમાં લોકો માતાજીના મંદિરે દર્શન માટે જતા હોય છે. આથી AMTS કમિટી દ્વારા આ ધાર્મિક બસ પ્રવાસ યોજના મંજૂર કરાઈ છે. શહેરના મુખ્ય બસ ટર્મિનસ લાલદરવાજા, વાડજ, સારંગપુર અને મણિનગર ખાતેથી બસનું બુકિંગ કરાવી શકાશે.










