• ગુજરાત સરકારમાં રિટાયરમેન્ટ સામે નવી ભરતીના આંકડા

  • 2016થી 2021 સુધીમાં 1,06,015 કર્મચારીઓની ભરતી થઇ
  • નવી જગ્યાઓ ઉમેરાવી જોઈએ તેની સમયાંતરે સમીક્ષા જરૂરી

ગુજરાત સરકારમાં છેલ્લા છ-સાત વર્ષમાં કેટલા અધિકારીઓ-કર્મચારીઓ નિવૃત્ત થયા અને એની સામે કેટલા જગ્યાઓ ઉપર નવી ભરતી થઈ તેની આંકડા ઉપલબ્ધ થયા છે. આ મુજબ છેલ્લા 7 વર્ષમાં યાને 2015-16થી 2021-22 સુધીમાં 1,40,056 કર્મચારીઓ-અધિકારીઓ રિટાયર્ડ થયા છે અને સામે 2016થી 2021 સુધીમાં 1,06,015 કર્મચારીઓ-અધિકારીઓની નવી ભરતી થઈ છે.

રાજ્ય સરકારના જાણકાર સૂત્રો કહે છે કે, 10 જેટલા સેવાનિવૃત્ત થતાં અધિકારીઓ-કર્મચારીઓમાં સરેરાશ 2 અધિકારીઓ વર્ગ-1ના, 2 અધિકારીઓ વર્ગ-2ના અને 6 કર્મચારીઓ વર્ગ-3 તથા વર્ગ-4ના હોય છે. વર્ગ-4ના કાયમી કર્મચારીઓ હવે ગણ્યાંગાંઠયા જ બચ્યાં છે, કેમ કે છેલ્લા 15 કરતાં વધુ વર્ષથી વર્ગ-4ની ભરતી બંધ કરી 11 મહિનાના કોન્ટ્રાક્ટથી વર્ગ-4ના કર્મચારીઓ રાખવામાં આવે છે.

આ સૂત્રો એમ પણ કહે છે કે, સમયાંતરે જગ્યાઓ વધારીને અધિકારીઓ-કર્મચારીઓની વધુ ભરતી કરવાની જરૂરિયાત ઊભી થઈ રહી છે, પરંતુ ખાલી જગ્યા સામે જ નવી ભરતી કરવાની નીતિ રાજ્ય સરકાર અપનાવી રહી છે અને એમાંય જીપીએસસી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સહિત વિવિધ ભરતી બોર્ડ દ્વારા ભરતીમાં એક યા બીજા કારણસર વિલંબ સર્જાતો હોઈ જેટલા અધિકારીઓ-કર્મચારીઓ દર વર્ષે રિટાયર્ડ થાય છે, તેટલી ખાલી થતી જગ્યાઓ ઉપર નવી ભરતી થઈ શકતી નથી, ભરતી ઓછી થાય છે, પરિણામે નિવૃત્તિ સામે ભરતીમાં 'ગેપ' રહે છે.

આ સૂત્રો ઉમેરે છે કે, વર્ષ 2016થી વર્ષ 2019 સુધીના 4 વર્ષમાં વર્ગ-1થી 3ના કુલ 81,346 અધિકારીઓ-કર્મચારીઓની ભરતી થઈ છે, તેમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ તથા વૈધાનિક-સંસદીય બાબતોના વિભાગમાં એકપણ નવી ભરતી થઈ નથી, જ્યારે શિક્ષણ વિભાગમાં 12,539ની, પંચાયત-ગ્રામ ગૃહ તથા ગ્રામ વિકાસ વિભાગમાં 17,976ની ગૃહ વિભાગમાં પોલીસદળ ખાતે 28,269ની ભરતી થઈ છે, બીજી તરફ અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, આદિજાતિ વિકાસ વિભાગ, મહિલા-બાળ કલ્યાણ વિભાગ, માહિતી-પ્રસારણ વિભાગ, ઊર્જા-પેટ્રોકેમિકલ્સ વિભાગ તથા વિજ્ઞાન-ટેક્નોલોજી વિભાગમાં માત્ર બે આંકડામાં જ નવી ભરતી આ 4 વર્ષ દરમિયાન થઈ છે.


  • Follow us on: