• ગાંધીધામ જીએસટી ભવનની બાજુમાં પાર્કિંગમાં બની ચોરીની ઘટના
  • સ્ક્રેપના વેપારી મીટિંગમાં ગયાને પાછળથી કોઈ અજાણ્યા ઈસમો ત્રાટક્યા
  • બે બેગમાં રાખેલ રોકડ, લેપટોપ, મોબાઈલ સહિતના મુદામાલનો હાથફેરો

ગાંધીધામના ટાગોરરોડ પાસે આવેલ તનીષ્ક જ્વેલર્સની નીચે પાર્કિંગમાં વોલ્વો કાર પાર્ક કરી ઉપરના માળે આવેલ ઓફિસમાં સ્ક્રેપના વેપારી મીટિંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા ઈસમ તેમની કાર પાસે ધસી ગયા હતા. તસ્કરોએ કોઈ પદાર્થ વડે ડ્રાઈવર સાઈડનો કાચ તોડી અંદર રાખેલ રોકડ 1.10 લાખ, બે લેપટોટ, મોબાઈલ વગેરે મળી રૂપિયા 1.70 લાખની મતા ભરેલ બે બેગ તફડાવી પલાયન થઈ ગયા હતા.

ગાંધીધામ એ ડિવિજન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગત શુક્રવારના બપોરના 1.30 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં આ બનાવ બન્યો હતો. અંજાર તાલુકાના વરસામેડી સીમમાં રહેતા અને બુઢારમોરામાં કીમો સ્ટીલ નામની કંપની ચલાવતા વેપારી અમીત ચક્રવર્તી શર્મા (ઉવ.46) જેઓ ગત શુક્રવારના જીએસટી ભવનની બાજુમાં આવેલ બિલ્ડીંગમાં મીટિંગમાં ગયા હતા. જ્યાંથી બપોરના અરસામાં તનીષ્ક જ્વેલર્સના ઉપરના માળે આવેલ શિવ શિંપિંગમા હાજરી આપવા ગયા હતા.

તનીષ્ક જ્વેલર્સની સામે પાર્કિંગમા વોલ્વો કાર પાર્ક કરી વેપારી મીટિંગમા ગયા હતા. પાછળથી કોઈ અજાણ્યા ઈસમ તેમની કાર પાસે ધસી ગયા હતા. આરોપીએ કોઈ પદાર્થ વડે ડ્રાઈવર સાઈડનો કાચ તોડી 5 હજારની નુકશાની પહોચાડી હતી. તેમજ, અંદર રાખેલ રોકડ રૂપિયા 1.10 લાખ, એપલ કંપનીના બે લેપટોપ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ્લે રૂપિયા 1,70,000ની મતા ભરેલ બે બેગ લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા. ચોરીની ઘટના બાદ વેપારી મીટિંગમાંથી પરત આવતા બનાવની જાણ થઈ હતી. જેથી તેઓ એ ડિવિજન પોલીસ મથકે દોડી ગયા હતા. ત્યારબાદ અજાણ્યા ઈસમો સામે ફોજદારી નોધાવી હતી. જે અંગે પોલીસે ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


  • Follow us on: