- લક્ષ્મીવાડી વિસ્તારમાં મકાન છત તુટી
- સ્લેબ નીચે દટાતા એક શ્રમિકનું મોત
- મકાન માલિક સહિત 3 લોકોને ઇજા
રાજકોટમાં મકાનના રિનોવેશન દરમિયાન મકાનની છત ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે બે લોકો ઘાયલ થયા છે. રાજકોટના મીલપરા વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ જોવા મળી રહી છે. જ્યારે ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરી છે.

મકાન રિનોવેશનની કામગીરીમાં દુર્ઘટના
આજે સવારે રાજકોટના મીલપરા વિસ્તારમાં ઘરની દિવાલ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. અહીં એક મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહી હતી, તે સમયે અચાનક જ દિવાલ ધરાશાયી થઇ હતી. છત ધરાશાયી થતાં કાટમાળ નીચે ત્રણ લોકો દબાયા હતા. જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતાં મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને બચાવવામાં આવ્યા હતા. આ બન્ને લોકોને ઇજા પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
દિવાલ ધરાશાયી થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળમાં દબાયેલા લોકોની બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. આ સાથે જ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ સાથે છત કેવી રીતે ઘરાશાયી થઇ તે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છત ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. મધ્યપ્રદેશના બબલુ મોહનીયા નામના શ્રમિકનું મોત થયું છે. આ ઘટના નિખિલભાઇ ટાંકના મકાનમાં બની હતી. મકાન માલિક નિખીલભાઈ ટાંક પણ ઘાયલ થયા છે. નિખિલભાઇ ટાંક સહિત બે લોકો ઘાયલ અને એક બબલુ મોહનીયાનું મોત થયું છે. બબલુ મોહનીયા કડિયા કામ કરી ગુજરાન ચલાવતા હતા.









