બોટાદના ગઢડામાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ગઢડાના ગોરડકા ગામ નજીક ખાનગી લકઝરી બસ અને છકડો રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું જ્યારે એક વ્યક્તિ ગંભીરપણે ઘાયલ થયો. અકસ્માતની ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. 


મેઘવડીયા ગામ પાસે સર્જાયો અકસ્માત

મળતી માહિતી મુજબ ગતરોજ ગઢડામાં ગોરડકા ગામ નજીક મેઘવડીયા ગામના પાટીયા પાસે અકસ્માતની ઘટના બનવા પામી. મેઘવડીયા ગામે પાસે માર્ગ પર એક છકડો રીક્ષા ઉભી હતી. મોટાભાગે આજેપણ ગ્રામીણ વિસ્તારોમાં એસ.ટીબસ સેવા ઉપરાંત મુસાફરી માટે ગામના લોકો છકરો રીક્ષાનો ઉપયોગ કરતા હોય છે. આ છકડો રીક્ષામાં અનેક વખત ક્ષમતા કરતા વધુ પેસેન્જર પણ ભરવામાં આવે છે. જેને લઈને તંત્ર દ્વારા પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. ગતરોજ છકડો રીક્ષા ચાલક પેસેન્જર લેવા માટે મેઘવડીયા ગામના પાટીયા પાસે ઉભા હતા તેવામાં પાછળથી લકઝરી બસે ટક્કર મારતા અકસ્માત સર્જાયો.

પોલીસે તપાસ હાથ ધરી

લકઝરી બસ ચાલકની બેદરકારીના આ ગંભીર અકસ્માત બનવા પામ્યો. અકસ્માતની આ ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત નિપજયું. જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિનું નામ સુભાષભાઈ એરશીભાઈ સાથળીયા છે જેઓ સાળીગપરડા ગામના વતની છે. જ્યારે ગંભીર ઇજા પામેલ રીક્ષા ચાલકનું નામ ભાવસંગભાઇ મેર છે. અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગઢડા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો અને ગંભીર ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 એમ્બ્યુલન્સમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં મોકલ્યા. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી.

  • Follow us on: