• અંબાજી મંદિરની પ્રેરણાથી જયભોલે ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યું અજયબાણ

  • અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવશે
  • 7 જાન્યુઆરી સુધી અંબાજી ખાતે ભક્તો કરી શકશે અજયબાણના દર્શન

શ્રી આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીની પ્રેરણાથી અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં કરવામાં આવેલ વર્ણન અનુસાર અજયબાણની પ્રતિકૃતિ બનાવી છે. આ અજયબાણને અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિરમાં સ્થાપિત કરવામાં આવશે. આ અજયબાણની પૂજા-અર્ચના શક્તિપીઠ અંબાજી મંદિરના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા કરવામાં આવી છે.


[[$googlead]]

[[$alsoread]]

પૌરાણિક કથાઓમાં કરાયું છે અજયબાણનું વર્ણન

પૌરાણિક કથાઓ અનુસાર શક્તિપીઠ અંબાજીને અજયબાણ સાથે અનોખો સંબંધ છે. ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ અને લક્ષ્મણની જ્યારે શૃંગી ઋષિ સાથે મુલાકાત થઈ ત્યારે તેમણે ભગવાન રામને આદ્યશક્તિ માં અંબાની પૂજા કરીને તેમને પ્રસન્ન કરવા કહ્યું હતું. માં અંબાએ પ્રસન્ન થઈને શ્રી રામને વરદાન આપતા આશીર્વાદના રૂપમાં અજયબાણ આપ્યું હતું.

આ જ અજયબાણથી થયો હતો રાવણનો વધ

ભગવાન શ્રી રામે આ અજયબાણથી દશાનન રાવણનો વધ કર્યો હતો. અજયબાણથી રાવણના વધનો ઉલ્લેખ માતાજીની આરતીમાં પણ જોવા મળે છે. અજયબાણની પ્રતિકૃતિ તૈયાર કરનાર જય ભોલે ગ્રૂપના સ્થાપક દીપેશ પટેલે જણાવ્યું છે કે, 'ત્રેતાયુગમાં માં અંબાએ ભગવાન શ્રી રામને અજયબાણ આપ્યું હતું, જેના દ્વારા પ્રભુએ રાવણનો વધ કર્યો હતો.'


ધનુર્વેધ ગ્રંથમાં મળે છે અજયબાણનો ઉલ્લેખ

હવે કલયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે, ત્યારે પૌરાણિક કથા અનુસાર અજયબાણની પ્રતિકૃતિ બનાવવાની પ્રેરણા મળી છે. ધનુર્વેધ ગ્રંથમાં બાણ અંગે જાણકારી મળે છે, તેણે ધ્યાનમાં રાખીને અજયબાણની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. એટલે જ આ બાણની ડિઝાઇનમાં આગળની ભાગ મોટો બનાવવામાં આવ્યો છે. શ્રી રામ મંદિર તરફથી અજયબાણ માટે એક ખાસ બોક્સ ડિઝાઇન કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે અજયબાણના મહત્વ અંગેની જાણકારી પણ જોડવામાં આવશે.


5 ફૂટ લાંબો અને 11.5 કિલો વજનનું અજયબાણ

11.5 કિલો વજનના આ અજયબાણને બનાવવા માટે સોનું, ચાંદી, તાંબું, પિત્તળ અને લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેની લંબાઈ 5 ફૂટ રાખવામાં આવી છે. માત્ર 5 જ દિવસમાં આ અજયબાણ અમદાવાદની ફેક્ટરીમાં બનાવીને તૈયાર કરી દેવામાં આવી છે. આ અજયબાણ બનાવવા માટે 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આ અજયબાણ 10 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામમંદિરમાં અર્પણ કરવામાં આવશે. શ્રી રામ ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને જોતાં આ અજયબાણના દર્શનની વ્યવસ્થા 7 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ખાતે કરવામાં આવી છે. ત્યારબાદ, 8 જાન્યુઆરીએ આ અજયબાણ અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અર્પણ કરવા માટે અમદાવાદથી રવાના કરવામાં આવશે.


  • Follow us on: