- રાજ્ય સરકારની મંજૂરી મળતાં AMCને 405 પ્લોટ મળશે
- ઈમ્પેક્ટ ફી હેઠળ આવેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા એસ્ટેટ- ટીડીઓને સૂચના
- ગાર્ડન અર્બન ફેરેસ્ટ પ્લે ગ્રાઉન્ડ માટે પણ તેમાં 14 જેટલા પ્લોટ મળશે
ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે બાંધકામોને રેગ્યુલરાઈઝ કરવા માટે ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં છે. અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં ઈમ્પેક્ટ ફીનો અમલ ઝડપી બનાવવા અને ગેરકાયદે બાંધકામો નિયમિત કરાવવા માટે આવેલી અરજીઓનો ઝડપથી નિકાલ કરવા સૂચના આપવામાં આવી છે. AMCની ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 11 જેટલી TP સ્કીમો મંજૂર કરીને રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ TP સ્કીમોને મંજૂરી મળતાં વિવિધ હેતુઓ માટે AMCને 405 પ્લોટ મળશે. AMCના કોમ્યુનિટી હોલ, પાર્ટી પ્લોટ બુકિંગમાં ડ્રો કરાયા પછી જે વ્યક્તિના નામે બુકિંગ થયું હોય તેનું નામ સોફ્ટવેરમાં ડિસપ્લે પર જોવા મળશે.
ટાઉન પ્લાનિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફ્ીનો કાયદો અમલમાં મુકાયો છે. ઈમ્પેક્ટ ફી હેઠળ થયેલી અરજીઓનો ઝડપી નિકાલ થઈ શકે તે માટે કોન્ટ્રાક્ટથી પણ સ્ટાફની ભરતી કરવા સૂચના અપાઈ છે. શહેરના નરોડા, સિંગરવા, કઠવાડા, સરખેજ, ફ્તેવાડી, ગેરતપુર, વટવા, સૈજપુર-ગોપાલપુર- શાહવાડી, સાબરમતી, ચાંદલોડિયા અને બાકરોલ-બાદરાબાદ સહિતના વિસ્તારોમાં કુલ 11 ટીપી મંજૂર કરીને પરામર્શ માટે રાજ્ય સરકારને સુપરત કરાઈ છે. રાજ્ય સરકાર મંજૂરી આપતાં AMCને 405 પ્લોટ મળશે,. કોમર્શિયલ, નોલેજ, રેસીડેન્સીયલ, ઇન્ડસ્ટ્રીયલ, રોડ એલાઈમેન્ટ અને એગ્રિકલ્ચર ઝોનમાં આવતી ટીપીઓને મંજૂરી આપવામાં આવી છે. ટીપી ફઇનલ થતાં ગાર્ડન, અર્બન ફેરેસ્ટ, ઓપન સ્પેસ પ્લેગ્રાઉન્ડ, સ્કૂલ, અર્બન હેલ્થ સેન્ટર, ઔદ્યોગિક, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકો વગેરે હેતુ માટે પ્લોટો મળશે. સૈજપુર-ગોપાલપુર -શાહવાડીમાં સૌથી વધુ કુલ 90 જેટલા પ્લોટ મળશે. ટીપી -131 કઠવાડા-સિંગરવા ભુવાલડી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં કુલ 45 જેટલા પ્લોટ મળશે. જેમાં ઔદ્યોગિક વેચાણ માટે બે પ્લોટ મળશે. ગાર્ડન અર્બન ફેરેસ્ટ પ્લે ગ્રાઉન્ડ માટે પણ તેમાં 14 જેટલા પ્લોટ મળશે. ટીપી- 125 સૈજપુર ગોપાલપુર શાહવાડી પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી છે.










