રાજ્યમાં કરચોરી કરતા વેપારીઓ પર SGST વિભાગ બાજ નજર રાખી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત SGST વિભાગના દરોડા પડ્યા છે. રાજ્યમાં કોપરના વેપારીઓને ત્યાં SGSTના દરોડા પાડવામાં આવ્યા છે. 6 શહેરમાં 14 પેઢીઓ પર SGSTના દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોટી સંખ્યામાં કરચોરી ઝડપાઈ છે.
કૂલ રૂપિયા 48 કરોડની કરચોરી સામે આવી
રાજ્યના સુરત, રાજકોટ, જુનાગઢ, ભરુચ, વાપી, ભાવનગર શહેરમાં SGSTની અલગ અલગ ટીમોએ દરોડા પાડ્યા અને તપાસ આદરી હતી. આ તપાસમાં કૂલ રૂપિયા 48 કરોડની કરચોરી સામે આવી છે. આ સાથે જ સરકારમાંથી વેરાશાખ મેળવતી 4 બોગસ પેઢીઓ પણ ઝડપાઈ છે. ત્યારે રૂપિયા 19.49 કરોડની કરચોરીમાં સંડોવાયેલા ફોર્ચ્યુન કોપર ઈન્ડસ્ટ્રીઝના સંદીપ અનવર વિરાણીની ધરપકડ પણ કરવામાં આવી છે.
રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો
રાજ્યની GST આવકમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યની GSTની આવકમાં 18 ટકાનો વધારો નોંધાયો છે. આ વિગત થોડા દિવસ પહેલા જ જાહેર કરવામાં આવી હતી. ઓક્ટોબર 2024માં GSTની કૂલ આવક 6,146 કરોડ રૂપિયા નોંધાઈ હતી. જે ગત વર્ષના ઓક્ટોબર મહિનામાં થયેલી આવક કરતાં 18 ટકા જેટલી વધુ છે.
ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા જેટલો રહ્યો
ઓકટોબર 2024માં રાજ્યની GSTની આવક રૂપિયા 6,146 કરોડ નોંધાઈ છે અને ઓકટોબર 2024માં નેશનલ કક્ષાએ આવકનો ગ્રોથ 9 ટકા જેટલો રહ્યો છે. રાજ્યને ઓક્ટોબર 2024માં વેટ હેઠળ રૂપિયા 2,584 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ રૂપિયા 986 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂપિયા 28 કરોડની આવક નોંધાઈ છે. રાજ્ય કર વિભાગને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કૂલ રૂપિયા 9,744 કરોડની આવક થઈ, 2024-25ના નાણાકીય વર્ષના પ્રથમ 7 માસમાં રાજ્ય કર વિભાગને GST, વેટ, વિદ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા દ્વારા કુલ રૂપિયા 67,981 કરોડની આવક થઈ છે.