• 1990થી અત્યાર સુધીમાં ભારતે 764 કુદરતી આપત્તિની ઘટનાઓ અનુભવી

  • કુલ કુદરતી આપત્તિઓમાંથી 41 ટકા ઘટનાઓ પૂરની હોય છે,
  • ભારતમાં આવી આપત્તિ સામે વીમા કવચ પણ ઘણું ઓછું

વરસાદી પૂરના કારણે દેશભરમાં ભારે નુકસાન ઉઠાવવાનું થયું છે. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ઊંચી તબાહી જોવા મળી છે. એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ ઈકોરેપ મુજબ પૂરને કારણે લગભગ રૂ. 10000-15000 કરોડનું આર્થિક નુકસાન નોંધાયું છે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ બિપરજોય જેવા ચક્રવાત સહિત કુદરતી આપત્તિ દેશ માટે ગંભીર ચિંતાનો વિષય છે. તે ઉમેરે છે કે લોકેશન અને ભૌગોલિક લાક્ષણિક્તાઓને કારણે દેશ આ પ્રકારની પ્રાકૃતિક આપદાઓ માટે લાચાર જણાય છે. એક અભ્યાસ મુજબ ભારત 1990થી અત્યાર સુધીમાં કુદરતી આપત્તિઓની રીતે ત્રીજા ક્રમે જોવા મળ્યો છે. યુએસ અને ચીન અનુક્રમે પ્રથમ અને બીજો ક્રમ ધરાવે છે. જેમાં 1990થી 2000 દરમિયાન 402 ઘટનાઓ જ્યારે 2001થી 2022 સુધીમાં 361 ઘટનાઓનો સમાવેશ થાય છે. આ પ્રકારની ઘટનાઓના વધતાં પ્રમાણને કારણે અર્થતંત્ર પર એક પ્રકારનો તણાવ ઊભો થયો છે એમ રિપોર્ટ સૂચવે છે. કુદરતી ઘટનાઓમાં ભારત મુખ્યત્વે વરસાદી પૂરનો ઊંચો સામનો કરી રહ્યું છે. કુલ કુદરતી આપત્તિઓમાંથી 41 ટકા ઘટનાઓ પૂરની હોય છે. જ્યારપછી બીજા ક્રમે તોફનો આવે છે.

એસબીઆઈ રિપોર્ટ મુજબ ભારતમાં આવી ઘટના સામે ઊંચો પ્રોટેક્શન ગેપ જોવા મળે છે. એટલેકે કુલ નુકસાનમાંથી નાનો હિસ્સો ઈન્શ્યોરન્સ ધરાવતો હોય છે. 2022માં વૈશ્વિક સ્તરે કુદરતી આપદાઓને કારણે થયેલા 275 અબજ ડોલરના નુકસાનમાંથી 125 અબજ ડોલર જેટલું નુકસાન વીમા કવચ ધરાવતું હતું. 2022માં સરેરાશ પ્રોટેક્શન ગેપ વધી 151 અબજ ડોલર થયો હતો. જે 10-વર્ષોની 130 અબજ ડોલરની સરેરાશ કરતાં ઊંચો હતો. આમ 54 ટકા નુકસાન ઈન્શ્યોરન્સ વિનાનું હતું. જેની સામે ભારતમાં 92 ટકા નુકસાન ઈન્શ્યોરન્સ રહિત જોવા મળે છે. ભારતીય પરિવાર સરેરાશ 8 ટકા પ્રોટેક્શન ધરાવે છે. એટલે કે પરિવારની સુરક્ષા માટે રૂ. 100ની જરૂરિયાત સામે તે રૂ. 8નું કવર ધરાવે છે.


  • Follow us on: