- આજથી જ પંદર દિવસ ટ્રાફિક, ગેરકાયદે પાર્કિંગ, દબાણ સામે પગલાં લો : HC
- પાંચમી જાન્યુઆરી સુધીમાં સરકાર-AMCએ એક્શન ટેકન રિપોર્ટ મૂકવો પડશે
- સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓએ પણ આ માટેની કોર્ટને હૈયાધારણ આપી હતી
શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ, બિસમાર રસ્તા, ટ્રાફ્કિ સમસ્યા, રસ્તાઓ-ફૂટપાથ પર ગેરકાયદે દબાણો સહિતના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટ પિટિશનમાં આજે ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના નિર્દેશ મારફતે અમદાવાદ શહેરમાં આવતીકાલથી જ પંદર દિવસ માટે ટ્રાફ્કિ નિયમન, ગેરકાયદે પાર્કિંગ, રસ્તા-ફૂટપાથ પરના દબાણો-લારી ગલ્લા હટાવવા સહિતના મુદ્દે અસરકારક ડ્રાઇવ ચલાવવા રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરમાન કર્યું છે. સરકાર અને અમ્યુકો સત્તાવાળાઓએ પણ આ માટેની કોર્ટને હૈયાધારણ આપી હતી. હાઈકોર્ટની ખંડપીઠે પ્રારંભિક તબક્કામાં શહેરના પાંચ સ્થળોએ પંદર દિવસ માટે આ ડ્રાઇવ ચલાવી અસરકારક કામગીરી હાથ ધરવા સરકાર અને અમ્યુકોને તાકીદ કરી હતી અને ટ્રાફ્કિની સમસ્યાનું નિવારણ કરી એકશન ટેકન રિપોર્ટ તા.5મી જાન્યુઆરી સુધીમાં હાઇકોર્ટમાં રજૂ કરવા હુકમ કર્યો હતો.
હાઇકોર્ટે કેસની સુનાવણી દરમિયાન બહુ માર્મિક ટકોર કરી હતી કે, અમદાવાદ શહેરમાં ટ્રાફ્કિની સમસ્યા અને અકસ્માતોનો પ્રશ્ન બહુ ગંભીર છે જે અંગે સત્તાવાળાઓએ કામગીરી કરવી જ રહી. હાઇકોર્ટે અમદાવાદ શહેરમાં ટ્રાફ્કિની વિકટ બનતી જતી સમસ્યા અને વધી રહેલા અકસ્માતોને લઇ બહુ ગંભીર ચિંતા વ્યકત કરી હતી. નવા વર્ષની ઉજવણીને લઇ વાહનોનો ભારે ધસારો અને આડેધડ પાર્કિંગની સમસ્યા વધુ રહેતી હોય છે, તેથી તે બાબતને ધ્યાનમાં રાખીને સત્તાવાળાઓએ કાર્યવાહી કરવી. કન્ટેમ્પ્ટ પિટિશનમાં હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સરકાર, પોલીસ, ટ્રાફ્કિ અને અમ્યુકો સત્તાવાળાઓ દ્વારા હકારાત્મક વાતો બધી થાય છે, પરિપત્રઓ, ઠરાવો, જાહેરનામા બધુ જારી થાય છે પરંતુ જમીન હકીકત પર વાસ્તવિક અમલવારી દેખાતી નથી.










