- બામણ ગામે રાતે અકસ્માત, ચાર ક્રેન બોલાવી 40 ટનનું કન્ટેનર ખસેડયું
- કેબિનમાં ફસાયેલા બે લોકોને પાંચ કલાકની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા
- ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો
કરજણના બામણ ગામ નજીક બે કન્ટેનર વચ્ચે ગઈકાલે મોડી રાતે એક વાગે અકસ્માત થયો હતો. જેના પગલે 16 કલાક સુધી હાઇવ પર ટ્રાફિક જામ થયો હતો. જાંબુવાથી કરજણ વચ્ચે લગભગ 15 km સુધી વાહનોની લાંબી કતાર પડી હતી. જેના કારણે રાહદારીઓ સહિત અનેક લોકોના કલાકો વેડફાયા હતાં. વડોદરાથી ભરૂચ તરફ્ના ટ્રેક ઉપર બામણ ગામ નજીક ગત મોડી રાતે એક વાગે આગળ જતા કન્ટેનરમાં પાછળથી આવતું કન્ટેનર ઘુસી ગયું હતું. જેના કારણે પાછળના કન્ટેનરની ડ્રાઇવરની કેબિનનો ભાગ આગળના કન્ટેનરમાં ફસાઈ ગયો હતો. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા કરજણ પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. કન્ટેનરની કેબીનમાં ફસાયેલા ડ્રાઇવર સહિતના બે લોકોને બહાર કાઢવા કરજણથી ફાયર બ્રિગેડની ટીમને બોલાવાઈ હતી.
લાશ્કરોએ સાડા પાંચ કલાકે ફેબિનમાં ફસાયેલા બે લોકોે બહાર કાઢવામાં સફળતા મળી હતી. જે બાદ બંનને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતાં. આ અકસ્માતમાં બંનેનો આબાદ બચાવ થયો હતો. જે બાદ પોલીસે 40 ટન વજનના કન્ટેનરને ખસેડવા માટે ચાર ક્રેઇનની મદદ લીધી હતી. કલાકો સુધી હાઇવે બ્લોકની પરિસ્થિતિને કારણે હાઈવે પર ધીરે-ધીરે વાહનોની લાઇનો વધતી ગઈ હતી. બુધવારે સવારે 9થી બપોરે દોઢ વાગ્યા સુધી જાંબુવાથી કરજણ હાઈવે બ્લોક થયો હતો. પોલીસને ટ્રાફિકની પરિસ્થિતિ સામાન્ય કરતા સાંજે પાંચ વાગ્યા હતાં. 15 km લાંબી વાહનોની કતારમાં અન્ય રાહદારીઓની જેમ પોલીસ પણ ફસાઈ હતી. આ અકસ્માત અંગે હજુ સુધી પોલીસ ફરિયાદ નોંધાવાઈ નથી.










